રાજ્યમાં આગામી પાંચ દિવસ હવામાન વિભાગ દ્વારા હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે (22 સપ્ટેમ્બરે) સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે, ત્યારે સુરતમાં છેલ્લા ઘણા સમયથી ગરમીના મહાલો બાદ વરસાદ પડતા શહેરમાં ઠંડક પ્રસરી છે. જ્યારે 25 થી 27 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સુરતમાં લાંબા સમયે ગરમી બાદ ઠંડક પ્રસરી :
સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી પ્રમાણે શહેરમાં વહેલી સવારે વરસાદ ખાબકતા ગરમી અને બફારા બાદ શહેરમાં ઠંડક પ્રસરી છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 23-24 સપ્ટેમ્બરે મધ્ય અને દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, આણંદ, પંચમહાલ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.રાજ્યમાં ચોમાસાની વિદાય વખતે મેઘરાજા ફરી મહેરબાન થયા છે, ત્યારે આગામી 25 થી 27 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, તાપી, સુરત અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.