હવે ગ્રોથમાં લંડનની હરીફાઇ કરશે સુરત. જી…હા.. કેન્દ્ર સરકારે દેશની GDPને 5 ટ્રિલિયન સુધી પહોંચાડવાના પોતાના લક્ષ્યાંક માટે દેશમાંથી 4 શહેરોની પસંદગી કરી છે. જેમાં ગુજરાતમાંથી સુરતનો સમાવેશ થાય છે. આ શહેરોમાં ઇકોનોમિક ગ્રોથ થાય એ પ્રકારનો માસ્ટર પ્લાન કેન્દ્ર સરકારે બનાવ્યો છે. જેનાથી 2047 સુધીમાં સુરતની ઇકોનોમી લંડનની ઇકોનોમીને પાછળ છોડે એવો રોડમેપ તૈયાર કરાયો છે.કેન્દ્ર સરકારે ઇકોનોમિક હબ માટે ચાર શહેરો નક્કી કર્યા છે. જેમાં મુંબઈ, વારાણસી, સુરત અને વિઝાગની પસંદગી કરવામાં આવી છે. 2047 સુધીમાં ભારત દેશનો કેટલો વિકાસ થશે અને ખાસ કરીને આ જે ચાર શહેર છે એના થકી ભારતના ગ્રોથમાં કેટલો વધારો થશે એ અંગે વિસ્તૃત પ્લાન તૈયાર કરાયો છે. ભારતની GDPમાં સુરત ઇકોનોમિક રિજનનો ફાળો 1.5 ટ્રિલિયન સુધી પહોંચાડવાના લક્ષ્યાંક સાથે આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે વિશ્વના ફલક પર જે રીતે સુરત શહેર આગળ વધી રહ્યું છે એ જોતાં આ પ્લાનમાં સુરત જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ, ડાંગ, નવસારી, તાપી જિલ્લાને પણ આવરી લેવાશે.
લંડનની ઇકોનોમીને પાછળ છોડશે :
સુરત શહેરમાં જે રીતે ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ ઝડપથી આગળ વધી રહ્યો છે એ જોતાં સુરત આજે દેશના GDPમાં ખૂબ સારું એવું યોગદાન આપી રહ્યું છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે પણ ઉદ્યોગો છે એને ઝડપથી વિકસાવવા માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતના શહેરના ડાયમંડ, ટેક્સટાઇલ, કેમિકલ, એગ્રિકલ્ચર, એજ્યુકેશન, મેડિકલ જેવાં ક્ષેત્રને આવરી લઈને નવા નવા પ્રોજેક્ટ લાવવામાં આવશે.દરિયા કિનારાનો મહત્તમ ઉપયોગ કરીને ઇકોનોમિક ગ્રોથ વધારવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે. દહેજ પીસીપીઆઈઆર, એચએસઆર ઝોન, ડ્રીમ સિટી કોસ્ટલ ઝોન, વાઇલ્ડલાઇફ ઝોન થકી ગ્રોથ કરવામાં આવશે.
ભરૂચ, નવસારી, ડાંગનો પણ વિકાસ થશે :
દક્ષિણ ગુજરાતમાં ભરૂચમાં કેમિકલ હબને લઈને અનેક પોઝિટિવ શક્યતા છે, જેને આગળ વધારી શકાય એમ છે. ડાંગ જિલ્લામાં ટૂરિઝમ અને સ્થાનિક સ્થળ પર ઉદ્યોગો શરૂ કરી શકાય એમ છે. સુરત શહેરમાં ડાયમંડ, ટેક્સટાઇલ સહિત મેડિકલ ઇક્વિપમેન્ટ બનાવવાના હબ તરીકે વધુ ઝડપથી વિકાસ કરી શકાય તેવી સ્થિતિ છે. આ સાથે રિયલ એસ્ટેટ અને એગ્રિકલ્ચર ક્ષેત્રમાં પણ ઘણી સંભાવનાઓ રહેલી છે. નવસારી જિલ્લામાં ફૂડ પ્રોસેસિંગ ખૂબ મોટા પ્રમાણમાં થઈ શકે એમ છે તેમજ સુરત અને નવસારીને ટ્વિન સિટી તરીકે વિકસાવવાની વાત હતી, જેમાં ટેક્સટાઇલ સહિતના ઉદ્યોગોને વિકાસમાં આગળ વધારી શકાય એવી પ્રબળ સંભાવના છે.