સુરત પાલિકાના બીઆરટીએસ રૂટ પર અકસ્માત માટે બસ ડ્રાઈવરનું રફ ડ્રાઈવિંગ તો જવાબદાર છે પરંતુ તેની સાથે સાથે બીઆરટીએસ રૂટમાં બેફામ વાહનો દોડાવી રહેલા વાહન ચાલકો પણ જવાબદાર છે. આજે ફરી એકવાર પાલિકાના બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનો માટે કુખ્યાત એવા ડભોલી રૂટમાં બે બસ વચ્ચે ખાનગી વાહનો ફસાયેલા જોવા મળ્યા હતા. જોકે, આવા વાહન ચાલકો સામે પાલિકા કે પોલીસ કોઈ કામગીરી કરતી ન હોય બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોનું દુષણ વધી રહ્યું છે.સુરત મહાનગરપાલિકાના બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોનું દુષણ રોકવા માટે પાલિકાએ ચાર કરોડ કરતાં વધુના ખર્ચે સ્વીંગ ગેટ મુક્યા હતા. જોકે, માવજતના અભાવે સ્વિંગ ગેટ બંધ થઈ ગયા હતા. સ્થાયી સમિતિની સૂચના બાદ આ સ્વીંગ ગેટ ફરી શરૂ કરી દેવાયા છે પરંતુ પાલિકા અને એજન્સી વચ્ચે પડેલી ગુંચને કારણે હજી સુધી તમામ સ્વીંગ ગેટ શરૂ થયા નથી જેનો લાભ કેટલાક ખાનગી વાહનો ઉઠાવીને બીઆરટીએસ રૂટમાં બેરોકટોક ઘુસી રહ્યાં છે. આજે પણ ડભોલીના રુટમાં આવા અનેક ખાનગી વાહનો ઘુસી ગયાં હતા.
સુરતના ઉધના રોડ બાદ બીઆરટીએસ રૂટમાં વાહનો દોડાવવામાં વરાછા અને કતારગામ ઝોનના વિસ્તાર આવે છે. આજે ડભોલી ખાતે એક બસ બંધ પડી જતાં પાછળથી બીજી બસ આવી ગઈ હતી અને આ બે વસ વચ્ચે અનેક ટુ વ્હીલર પણ ફસાયા હતા. આવા વાહન ચાલકોને પાલિકા કે પોલીસ પાઠ ભણાવતો નથી પરંતુ આજે બનેલી ઘટનાના કારણે લાંબો સમય સુધી વાહન ચાલકો ફસાતા તેમને પાઠ મળ્યો છે. આ દુષણ દિવસેને દિવસે વધી રહ્યું છે. પાલિકાએ આ દુષણ રોકવા માટે સીસી કેમેરા પણ મુક્યા છે. પરંતુ તેનો પણ ઉપયોગ થતો નથી. આ ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા પણ બીઆરટીએસ રૂટમાં દોડતા ખાનગી વાહન ચાલકો સામે કોઈ કાર્યવાહી કરાતી ન હોવાથી લોકો બેફામ વાહનો બીઆરટીએસ રૂટમાં દોડાવી રહ્યા છે. પાલિકા અને પોલીસ સાથે સાથે ખાનગી વાહન ચાલકોની પણ ગંભીર બેદરકારી હોવાના કારણે બીઆરટીએસ રૂટમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.