સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી રાજ્યમાં ખાસ કરીને દરિયા કિનારાના 14 જિલ્લાઓમાં વાવાઝોડાની અને વરસાદની સ્થિતિની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ ગઈ રાત્રે ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિની પળેપળની માહિતી મેળવવા અને જિલ્લા તંત્રોનું માર્ગદર્શન કરવા ગઈકાલે મધ્યરાત્રિ સુધી 4 કલાક કન્ટ્રોલ રૂમમાં જાતે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આજે સવારે પણ કન્ટ્રોલ રૂમ પહોંચીને ગઈ રાત્રિની વાવાઝોડાને વરસાદની સ્થિતિ, નુકસાની અને રોડ રસ્તા બંદરો વગેરેને થયેલી અસરની વિગતો પણ પ્રાપ્ત કરી હતી અને માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રી એ રાજ્યના જિલ્લાઓ માં વરસી રહેલા વરસાદ પવનની ગતિ અને હવામાન વિભાગની આગાહી અંગે પણ વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી. મુખ્યસચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર અને એમ કે. દાસ સહિતના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા. વાવાઝાડો અંગે રાહતનાં સમાચાર સામે આવી રહ્યાં છે. આ વાવાઝોડું થોડા સમયમાં તોફાનમાં બદલાશે અને ત્યારબાદ ધીરે ધીરે નબળું પડશે. હવામાન ખાતાના અપડેટ પ્રમાણે વાવાઝોડું ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. વાવાઝોડાની મધ્ય આંખ છૂટી પડી રહી છે. વાવાઝોડાની બહારની તરફ સર્જાયેલું મોટું વાદળ પણ નબળું પડી રહ્યું છે. સૌથી વધુ પ્રભાવિત તાલુકાઓની વાત કરીએ તો, અમરેલી, ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદ, મહુવા રહ્યા છે. ઉના અને ગીરગઢડામાં સૌથી વધારે અસર પડી હતી. અહીં લાઈટો પણ ગઈ હતી. પવનની સાથે ભારે વરસાદ પણ થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, વાવાઝોડું હજી આગળ વધશે. આજ સાંજ સુધીમાં ચક્રવાત ગુજરાતમાંથી પસાર થશે. હજી આવવતીકાલે સાંજ સુધી સાવચેતી રાખવાની જરૂર છે.