શિક્ષક દિન દર વર્ષે શાળા મહાશાળાઓમાં ઉજવાય છે અને શિક્ષણ શિક્ષક થકી જ ઉજળું છે. પરંતુ ખરા અર્થમાં જે-તે પ્રાથમિક, હાઇસ્કૂલ કે કોલેજ ભવનોમાં લાંબા સમયથી શિક્ષકોની જગ્યાઓ ખાલી છે તે ભરવામાં જવાબદાર તંત્રની અણઆવડત સામે અનેક સવાલો છાશવારે ઉઠતા આવ્યા છે પણ તેનું સમાધાન થતું નથી અને શિક્ષક દિનની ઉજવણી કરવા તંત્ર ધમપછાડા કરે છે. શિક્ષણની ગુણવત્તા ત્યારે જ સુધરશે જ્યારે યોગ્ય લાયકાતવાળુ પુરૂ મહેકમ પદ્ધતિસર રીતે કાર્ય કરે અને ત્યારે જ સાચા શિક્ષક દિનની ઉજવણી સાર્થક બનશે. જિલ્લા પ્રાથમિક શાળાઓમાં ૧૩૦૯, હાઇસ્કૂલોમાં ૪૧૬, યુનિવર્સિટી કોલેજોમાં ૧૧૭ અને ભવનોમાં ૪૩ અધ્યાપકોની જગ્યા ખાલી પડી છે અને નિવૃત્તિનો સમય આવતા તેમાં વધારો થવાને પણ અવકાશ છે.સરળ રીતે કહીએ તો શિક્ષા આપે તે શિક્ષક જે જીવન ઘડતર અને જીવનના મૂલ્યોની સાચી સમજ આપે છે. શિક્ષકનું યોગદાન સમાજમાં ઘણું મહત્વનું છે. શિક્ષક ફક્ત ભણાવતા જ નથી તે વિદ્યાર્થીના જીવનમાં સંસ્કારોનું સિંચન કરી પાયો મજબુત બનાવે છે. વિદ્યાર્થીની કાર્ય ક્ષમતાને ઓળખી તેના રસ રૂચિ પ્રમાણે તેના જીવનની દિશા નક્કી કરવામાં મદદ કરે છે. સારા શિક્ષક વિદ્યાર્થીને તેની ઉણપ દેખાડી હડધૂત કરતા નથી પણ ઉણપને દૂર કરવામાં મદદ કરે છે. દર વર્ષે ૫ સપ્ટેમ્બરે સર્વપલ્લી રાધાકૃષ્ણ કે જે ભારતના દ્વિતિય રાષ્ટ્રપતિ હતા જેનો જન્મ ૫-૯-૧૮૮૮ના રોજ મદ્રાસના તિરૂતુનિ નગરમાં થયો હતો. તેઓ માનતા કે શિક્ષણે પરિપૂર્ણ બનવા માટે માનવીય બનવું જ જોઇએ. તેમાં ફક્ત બૈધિક તાલીમ જ નહીં હૃદયશુદ્ધિ અને આત્મશિસ્તનો પણ સમાવેશ કરવો જોઇએ. જે શિક્ષણને સંપૂર્ણ રસભર બનાવવા પુરતા શિક્ષકો પણ મહત્વનું પાસુ છે. તેમ માનતા અને તેમના થકી આ દિનની ઉજવણી થાય છે. પરંતુ જ્યાં શિક્ષકો જ નથી તેવી સ્થિતિમાં શિક્ષક દિન પણ જાણે ફીકો પડે છે.વાત કરીએ ભાવનગર જિલ્લાની તો શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૬૮ પ્રાથમિક શાળાનું મંજૂર મહેકમ ૬૬૫ છે જેની સામે હાલની સ્થિતિએ ૫૩ શિક્ષકોની જગ્યા ખાલી છે. તો જિલ્લા પંચાયત હસ્તકની ૯૨૦ પ્રાથમિક શાળામાં મંજૂર સેટઅપ ૬૮૦૭ની સામે ૧૨૫૬ જગ્યા ખાલી છે. તો સરકારી ૮૬ હાઇસ્કૂલોમાં માધ્યમિકની શાળાઓમાં ૨૭૮ના મહેકમ સામે ૬૩ શિક્ષકોની ઘટ જણાય છે. અને ઉ.મા.માં ૨૦૯ સામે ૧૦૮ એટલે ૫૦ ટકા શિક્ષકો નથી તો ગ્રાન્ટ ઇન એડ ૧૩૪ હાઇસ્કૂલોની માધ્યમિક વિભાગમાં ૯૦૨ની મુળ ઇન્ટેક સામે ૧૧૦ ખાલી જગ્યા છે તો ઉચ્ચતર માધ્યમિકમાં ૬૩૦ શિક્ષકોના સ્થાને ૧૮૦ જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું છે. જ્યારે યુનિવર્સિટીની જો વાત કરીએ તો ભાવનગર યુનિ. સંચાલિત શામળદાસ આર્ટ કોલેજના મંજૂર ૪૩ના મહેકમ સામે ૨૫ જગ્યા ખાલી છે.
એમ.જે. કોમર્સ કોલેજમાં ૩૧ની સામે ૨૪ જગ્યા ખાલી છે અને સર પી.પી. સાયન્સમાં ૫૮ની સામે ૩૬ પ્રોફેસરની જગ્યા ખાલી હોવાનું જણાયું છે. તો ભવનમોમાં ૧૦ પ્રોફેસર, ૧૭ એસોસીએટ પ્રોફેસર અને ૧૫ આસિસ્ટન્ટ અને એક ફાર્મસીમાં પ્રોફેસરની જગ્યા ખાલી રહેવા પામી છે. આ ઉપરાંત યુનિવર્સિટીની ગ્રાન્ટ ઇન એડ ૧૨ કોલેજોમાં પણ હાલ ભરતી હાથ ધરાતા હજુ ૧૨ જેટલી જગ્યા પ્રોફેસરોની ખાલી હોવાનું જણાયું છે. આમ ન.પ્રા.માં ૧૩૦૯, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં ૪૧૬ યુનિ. સંચાલિત કોલેજ ભવનમાં ૧૨૮ અને ગ્રાન્ટેડ અને સરકારી કોલેજમાં ૨૦ જગ્યા ટીચીંગ સ્ટાફની ખાલી હોવાનું સામે આવ્યું છે. આમ શિક્ષક દિન ઉજવાય છે પરંતુ શાળા-કોલેજોમાં શિક્ષકોની ઘટ પુરવામાં નહીં આવતા જેની સીધી અસર શિક્ષણ કાર્ય પર પડી રહી છે જે માટે શિક્ષણ વિભાગ દ્વારા પણ શિક્ષક દિને આ ઘટ પુરવા કમર કસવી જોઇએ જે જરૂરી છે. આજનું શિક્ષણ સાક્ષતા તો બનાવે છે પણ પગભર નથી બનાવતું. આજે બાળકોને ગમ્મત સાથે જ્ઞાાનના બદલે બોજારૂપ ભણતર લાગે છે. બાળકોનું બચપન પુસ્તકોના ભાર તળે દબાઈ ગયું છે. બળદની જેમ સ્કુલ બેગ નો ભાર વેંઢારતા બાળકોની ક્યા કોઈને દયા આવે છે ? શિક્ષક અને શિક્ષણ બંનેને અનીતિના લુણો લાગી ગયો છે પોપટની જેમ ગોખી પરીક્ષા પાસ કરવી એજ આજના વિદ્યાર્થીનું લક્ષ્ય બની ગયું છે. સંસ્કાર ધામ ગણાતી શાળાઓ અનીતિના ધામ બની ગઈ છે. આ બધા દુષણોને નાથવાના ઉપાયો વિષે તો વિચારવું જ પડશે ને ! કોઈ નક્કર પગલા લેવા પડશે તો જ શિક્ષક દિનની ઉજવણી લેખે લાગશે.