સુરત : સુરતમાં ચોમાસા દરમિયાન અત્યાર સુધી તૂટેલા રોડ ની ફરિયાદ હતી પરંતુ છેલ્લા કેટલાક દિવસથી સુરતની સરકારી અને ખાનગી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. આવા સમયે સુરત પાલિકા દ્વારા સમયાંતરે આરોગ્ય વિભાગ દ્વારા કરેલી સર્વે અને દંડ ની કામગીરીનો રિપોર્ટ જાહેર કરવામા આવે છે. પરંતુ સુરતના ભાજપના ધારાસભ્યએ જ મ્યુનિ. કમિશ્નરને પત્ર લખીને પાલિકાની કામગીરીની પોલ ખોલી નાંખી છે. વરાછા રોડના ધારાસભ્યએ પત્ર લખીને કહ્યું છે, સુરતમાં ભયંકર રોગચાળો છે, દવાખાના હોસ્પિટલમાં જગ્યા નથી પણ પાલિકા તંત્ર નિંદ્રાઘીન છે. ભયંકર રોગચાળો છે તેમ છતાં પણ વિભાગ કામે લાગ્યું નથી એટલે તંત્રને જગાડવા પત્ર લખ્યો છે.સુરત પાલિકાના કોર્પોરેટરો ભાજપના નેતાના પપેટ બની ગયાં હોવાથી પ્રજાને પડતી મુશ્કેલી માટે સામાન્ય સભામાં આક્રમક રીતે અવાજ ઉઠાવી શકતા નથી. અને સુરત પાલિકાનો વિપક્ષ પણ વિરોધ કરે છે પરંતુ તે વરાછા પુરતો જ સીમિત રહે છે અને તે વિરોધ પણ નબળો હોય છે.
ધારાસભ્ય કુમાર કાનાણીએ મ્યુનિ. કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સુરત શહેરમાં હાલ રોગચાળો ફાટી નિકળ્યો છે. ડેન્ગ્યુ અને મલેરિયા જેવા તાવના કેસમાં લોકોના મરણ પણ થઈ રહ્યાં છે. પરંતુ તંત્ર ક્યાંય ફિલ્ડમાં દેખાતું નથી કોઈ કામગીરી થતી નથી. એટલે મને એવું લાગે છે કે, આ મચ્છરજન્ય કે પાણી જન્ય રોગ ના કારણે હાલમાં લોકોને દવાખાના પણ જગ્યા મળતી નથી કે રક્તદાન કેન્દ્રમાં લોહી પણ મળતું નથી. આવી ભયંકર પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગની કોઈ જ કામગીરી ફિલ્ડ પર દેખાતી નથી એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઉંઘી રહ્યું એટલે તેને જગાડવાની જરુર છે. એટલે મે મ્યુનિ.કમિશ્નરને પત્ર લખ્યો છે.તેઓએ વધુમાં કહ્યું હતું કે, મને ખ્યાલ છે ત્યાં સુધી થોડા સમય પહેલાં એક કેસ પણ ડેન્ગ્યુના કેસ આવ્યો હોય તો તંત્ર દોડતું થઈ જતું હતું. જ્યાં કેસ મળ્યો હોય તેના આસપાસના વિસ્તારમાં સર્વે કરવામા આવતો હતો અને તંત્ર દોડતું થઈ જતું હતું. કેસ આવ્યો હોય તેની આસપાસ ધુમ્રસેર થાય અને ક્યાં પાણી ભરાયા છે તેની તપાસ થતી હતી. આ ઉપરાંત ચોમાસા દરમિયાન આરોગ્યની ટીમ ઘરે ઘરે આવતી હતી અને લોકોને તાવ કે અન્ય કોઈ લક્ષણ છે તેનો સર્વે કરતી હતી. જો કોઈને તાવ આવતો હોય તેના રિપોર્ટ કઢાવતી હતી અને દવા પણ આપતી હતી.
જોકે, હાલમાં ચોમાસુ પુરુ થવા આવ્યું પરંતુ મે એક પણ અધિકારીને મારા ઘરે કે મારી સોસાયટીમાં જોયા નથી. એટલે મને એવું લાગે છે આટલો ભયંકર રોગચાળો છે તેમ છતાં પણ વિભાગ કામે લાગ્યું નથી એટલે પત્ર લખ્યો છે અને તંત્રને જગાડવા પ્રયાસ કર્યો છે.કુમાર કાનાણીએ લખેલા પત્રના કારણે સુરતના રોગચાળાની સ્થિતિ સાથે પાલિકાની નબળી કામગીરીની પોલ ખુલ્લી કરી છે. આ પત્ર પછી પણ પાલિકા તંત્ર જાગે છે કે પછી ફીર વહી રફતાર ની જેમ કામગીરીના આંકડા જાહેર કરે છે તે આવનારો સમય જ બતાવશે.