વહેલી સવારે ફોર્ચ્યુનર વૈષ્ણોદેવી તરફથી બોપલ તરફ આવી રહી હતી. આ ફોર્ચ્યુનરમાં ઓમ પ્રકાશ ઉર્ફે પપ્પુ(રાજસ્થાન) અને રાજુરામ બિશ્નોઈ(રાજસ્થાન) સવાર હતા. જ્યારે બોપલ બ્રિજ તરફથી થાર આવી રહી હતી. આ થારમાં અજીત કાઠી અને મનીષ ભટ્ટ સવાર હતા. આ દરમિયાન થાર રાજપથ ક્લબ રોડ તરફ એટલે કે જમણી બાજુ ટર્ન લેવા જઈ રહી હતી બરાબર ત્યારે જ એ સાઈડથી જ આવી રહેલી ફોર્ચ્યુનર અથડાઈ હતી. જેમાં મનીષ ભટ્ટ, અજીત કાઠી અને ઓમ પ્રકાશના મોત થઈ ગયા હતા. જ્યારે રાજુ રામ બિશ્નોઈ સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, ફોર્ચ્યુનર દારુધથી ખચોખચ ભરી હતી.
આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે, જેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. દારૂ ભરેલી ગાડી અન્ય ગાડી સાથે અથડાઈ હતી, જેમાં દારૂ ભરેલી ગાડીમાં બેઠેલા એક વ્યક્તિ અને સામેવાળી ગાડીમાં બેઠેલા બે વ્યક્તિઓનાં મોત થયાં છે. ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ફોર્ચ્યુનરની સ્પીડ 150થી 200ની હતી. જો કે, 200ની સ્પીડ પર કાર ટકરાઈ હોવાનું જાણવા મળ્યું છે. કારનું સ્પીડ મીટર 200 પર બંધ થયેલું દેખાય છે. FSL દ્વારા પૂરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. વરસાદના કારણે ટાયર માર્ક નહીં મળી શકે છે. પોલીસ તપાસમાં ઘટના બની ત્યાં આજુબાજુના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા બંધ હોવાનું સામે આવ્યું છે.
સેફ્ટી ફીચર વ્હીકલની એર બેગ ખુલી ગઈ પણ ત્રણ બચ્યા નહીં
ઇસ્કોન બ્રિજ પર એક વર્ષ પહેલાં થયેલા અકસ્માતમાં જેગુઆર કાર હતી, તે સમયે કારમાં સ્પીડ અને ફીચર્સ વિશે અનેક વાતો ઉભી થઇ હતી, ત્યારબાદ હવે ફરીથી હાઈ સિક્યુરિટી અને સેફ્ટી ધરાવતાં કારના અકસ્માત થયા પણ આ વખતે એરબેગ ખુલી ગઈ, પણ જે મજબૂત ગણાય છે, તેવી થાર વચ્ચેથી વળીને કોકડું થઈ ગઈ હતી, જ્યારે ફોર્ચ્યુનરની પણ એવી જ હાલત છે. બંને કારના અકસ્માતમાં ત્રણના મોત થયા છે. બંને હાઇ ફીચર અને સેફ્ટી કારની એર બેગ ખુલી પણ કોઈ બચી શક્યા નહીં.