હાઉસ્ટન (ટેક્ષાસ) : તાજેતરમાં ભગવાન હનુમાનજીની ૯૦ ફીટની વિશાળ મૂર્તિનું હાઉસ્ટનમાં વિમોચન કરવામાં આવ્યું હતું. આ સાથે તેમાં પ્રાણ- પ્રતિષ્ઠા કરવાની વિધિ પણ કરવામાં આવી હતી. આ મૂર્તિને મિલનની મૂર્તિ તરીકે પણ કહેવામાં આવે છે, કારણ કે ભગવાન હનુમાનજીએ ભગવાન શ્રી રામનું સીતા-માતા સાથે પુનર્મિલન કરાવ્યું હતું. તેથી તેને સ્ટેચ્યુ ઓફ યુનિયન પણ કહેવામાં આવે છે.ટેકસાસનાં સ્યુગર લેન્ડ સ્થિત અષ્ટ-લક્ષ્મી મંદિર પાસે આ મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. અષ્ટલક્ષ્મી – મંદિર પાસે આ મૂર્તિ રચવાનું કારણ તે છે કે ભગવાન શ્રીરામને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. જ્યારે સીતા માતાને લક્ષ્મી માતાનો અવતાર માનવામાં આવે છે.આ મૂર્તિ રચવાની પ્રેરણા આધ્યાત્મિક ગુરૂ સ્વામી ચિન્નાજીયારે આપી હતી. તેઓએ ભારતમાં હૈદરાબાદમાં પણ સ્ટેચ્યુ ઓફ ઇક્વોલિટી રચવાની પ્રેરણા આપી હતી.આ અંગેની વેબસાઇટમાં જણાવવામાં આવ્યું છે કે, તે મૂર્તિ અંગે વિશ્વભરના લોકોને રસ જન્મશે. આ સ્ટેચ્યુ ઓફ યુનિયનની વેબસાઇટ જય શ્રીરામ, જય હનુમાન અને જય શ્રી મન્નારાયણના લખાણ સાથે શરૂ થાય છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, આ મૂર્તિ એક આધ્યાત્મિક કેન્દ્ર સમાન બની રહેશે. તે હૃદયને શાતા આપે છે, માનસિક શાંતિ આપે છે અને આત્માનું ઉન્નયન કરે છે અને માનવીને મોક્ષ તરફ લઈ જાય છે. આવી મૂર્તિઓ માનવીને યોગ્ય જીવન તરફ લઈ જાય છે અને વિશ્વને પ્રેમ, શાંતિ અને સમર્પણ તરફ દોરી જાય છે.