સુરત પાલિકાના રાંદેર ઝોનમાં જહાંગીરપુરા ખાતે આવેલી આંગણવાડીની હાલત દયનીય હોવાની ફરિયાદ બહાર આવી છે. જહાંગીરપુરા આવાસ ખાતેની આંગણવાડીમાંથી પાણી ટપકે છે અને પંખા પણ બંધ છે. ગરીબ બાળકો અને સગર્ભા મહિલા-ધાત્રી બહેનો આવે છે તે જગ્યાએ વાયરીંગ બળી ગયું છે અને અકસ્માતની ભીતિ છે. જો પાલિકા તાત્કાલિક પગલાં નહી ભરે તો લોકોના જીવ સામે જોખમ રહેલું છે. લોકોની મિલકતમાં ખામી હોય તો લોકોને નોટિસ ફટકારતા સુરત પાલિકાની જ કેટલીક મિલકત જર્જરિત હોવા ઉપરાંત અકસ્માત સર્જે તેવી થઈ રહી છે. સુરત પાલિકાના રાંદેર ઝોનમાં જહાંગીરપુરા સ્થિત સાંઈ વિલાની સામે પાલિકાની આંગણવાડી આવેલી છે. તેની છતમાંથી પાણી ટપકી રહ્યું છે. આ ઉપરાંત સ્લેબમાંથી ઈલેક્ટ્રીક વાયરીંગ બળી ગયું છે. આંગણવાડીમા પંખા પણ ચાલતા નથી. આ જગ્યાએ ગરીબ બાળકોને ભણાવવામાં આવે છે. આ ઉપરાંત સગર્ભા અને ધાત્રી બહેનો કેવી રીતે આંગણવાડીમાં આવીને બેસે છે. આવા સંજોગોમાં અકસ્માત થવાની ભીતિ છે. તેથી તાત્કાલિક પગલાં ભરવા માટેની માંગણી કરવામાં આવી છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે પાલિકાના આવાસમાં લગભગ 15 ટાવરમાં 500-600ની વસ્તી છે. તમામ શ્રમજીવીઓ આખો દિવસ મજૂરી કરી રોટલો કમાઈ ખાય છે. બાળકો આવાસમાં બનાવવામાં આવેલી મહાનગરપાલિકાની નંદઘર સ્કૂલ(આંગણવાડી)માં અભ્યાસ કરે છે. આંગણવાડી શાળાની બહાર કેટલાક દિવસોથી ગંદુ પાણી અને ટોયલેટનું પાણી બહાર આવે છે. અનેકવાર ફરિયાદ કરવા હોવા છતાં કોઈપણ પ્રકારનું કોર્પોરેશન તરફથી કાર્યવાહી કરવામાં આવતી નથી. રોજ સવારે નાના ભૂલકાઓ આવા ગંદા પાણીમાંથી અવર-જવર કરવા મજબૂર બન્યા છે.