Dehgam Village Controversy : દહેગામ તાલુકાના જૂના પહાડિયા, સાંપાના કાલીપુર પરુ તથા રામાજીના છાપરાની જમીન બારોબાર વેચી દેવાના કૌભાંડ બાદ સરકાર જાગી છે ત્યારે મુદ્દતો બહાર પાડીને આ વિવાદાસ્પદ નોંધ રદ કરવાનો સિલસિલો ચાલી રહ્યો છે. ત્યારે વેચાણ દસ્તાવેજ રદ કરવાને બદલે હાલ જેમના નામે આ વિવાદાસ્પદ જમીન છે તે માલિકો સરકારને બક્ષીસલેખ કરીને આ જમીન સરકારને આપી દે તેવી તજવીજ ચાલી રહી છે. જેનાથી ઘીના ઠામમાં ઘી ઠરી જશે તેમ લાગી રહ્યું છે.ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પરા વિસ્તારની ખાનગી જમીનો બારોબાર વેચી દેવાની ઘટના વારાફરથી બહાર આવી હતી. પહેલા જૂના પહાડિયા, બાદમાં સાંપાના કાલીપુર પરૂ અને ત્યાર બાદ રામાજીના છાપરામાં ઊભા થયેલી સોસાયટી કે મકાનોને બદલે ખુલ્લી જમીન બતાવીને તેના વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યા હતા. જો કે, આ કિસ્સા સામે આવ્યા બાદ મહેસૂલ વિભાગ જાગ્યો હતો અને ગાંધીનગર પ્રાંત અધિકારીની કોર્ટમાં આ ત્રણેય કેસમાં નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. કાલીપુરના પરાની વેચાણ નોંધ રદ કર્યા બાદ જૂના પહાડિયાની વેચાણ નોંધ પણ રદ કરવામાં આવી છે અને રામાજીના છાપરાની જમીન અંગે પણ આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવનાર છે. તેવી સ્થિતિ વચ્ચે આવા કિસ્સામાં મહેસૂલ વિભાગ-સચિવાલયથી હસ્તક્ષેપ કરવામાં આવ્યો છે. ઉચ્ચ અધિકારીઓ તથા નેતા-મંત્રીઓએ પણ આવા કિસ્સામાં હાલ રહેતાં રહીશો-ગ્રામજનોને નુકસાન ન જાય તે પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ તો વેચાણ નોંધ રદ કરી દેવામાં આવી છે, પરંતુ વેચાણ દસ્તાવેજ હજુ રદ થયો નથી ત્યાં સુધી ખરીદનાર જ આ જમીનના માલિક છે. આ સ્થિતિમાં હવે ઉચ્ચ અધિકારીઓ અને મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તક્ષેપ બાદ જમીન સરકારને સોંપી દેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
વાહ રે ગુજરાત! દહેગામ તાલુકાનું આખે આખું ગામ બારોબાર વેચાઇ ગયું, જાણો સમગ્ર મામલો :
દહેગામના આ ત્રણેય કિસ્સામાં હાલ જેમની પાસે વેચાણ દસ્તાવેજ છે તેમના દ્વારા આ જમીન સરકારને બક્ષીસ લેખ કરી આપશે. અગાઉના દિવસોમાં સબ રજીસ્ટ્રાર કચેરી મારફતે સરકારને બક્ષીસલેખ કરીને આ વિવાદાસ્પદ જમીનો સરકારને સોંપી દેવામાં આવશે. એટલે કે, આ ખાનગી જમીનોની સરકાર માલિક થઈ જશે. જો કે, બાદમાં સરકાર દ્વારા આ જમીન ઉપર જે તે ગ્રામજનો વસવાટ કરે છે તેની સનદ કે અન્ય કોઈ પુરાવા આપશે તે ગ્રામજનોને તેનો માલિકી હક્ક પણ આપવામાં આવશે.
નોંધ રદ પણ દસ્તાવેજ રદ કરાવવા દિવાની કોર્ટમાં રજૂઆત કરવી પડે :
ગાંધીનગરના દહેગામ તાલુકાની ખાનગી જમીન ઉપર વસેલા ગામોનો સોદો થઈ ગયો છે. જૂના પહાડિયાની જેમ કાલીપુર અને રામાજીના છાપરાની જમીનોનો પણ જમીનના મૂળ માલિકોના વારસદારોએ વેચાણ દસ્તાવેજ કરી દીધો છે. આ બાબતે પ્રાંત અધિકારી સમક્ષ અપીલ કરતાં જૂના પહાડિયા તથા કાલીપુરના કિસ્સામાં તો વેચાણ નોંધ રદ કરી દેવામાં આવી છે. જ્યારે રામાજીના છાપરામાં પણ આગામી દિવસોમાં નિર્ણય કરી દેવામાં આવનાર છે.
દહેગામમાં વધુ એક ગામની જમીનનો બારોબાર સોદો, હવે કાલીપુર ગામની જમીન વેચી દીધી હોવાનો ઘટસ્ફોટ :
તો બીજી બાજુ વેચાણ દસ્તાવેજ રદ કરવામાં જિલ્લા વહીવટી તંત્ર કે મહેસૂલ વિભાગ કોઈ હસ્તક્ષેપ કરી શકશે નહીં. એટલું જ નહીં, વેચાણ નોંધ ભલે રદ હોય પરંતુ વેચાણ દસ્તાવેજના આધારે હાલના માલિક જે તે જમીન અન્યને પણ તે વેચી કે પધરાવી શકે છે, તેથી આ વેચાણ દસ્તાવેજને રદ કરવા માટે દિવાની કોર્ટમાં ભોગ બનનારને જવું પડે. જો કે, હાલની સ્થિતિએ તો સરકારને જ વેચાણ દસ્તાવેજ એટલે કેસ બક્ષીસલેખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવનાર હોવાથી ભોગબનનાર ગ્રામજનો કયું પગલું લે છે તે તો જોવું જ રહ્યું.
કાલીપુર અને પહાડિયાની વેચાણ નોંધ રદ, રામાજીના છાપરાની બાકી :
દહેગામ તાલુકામાં ખાનગી જમીન ઉપર વસેલા પરા કે ગામને ખુલ્લી જમીન બતાવીને બારોબાર વેચા દેવામાં આવ્યા હોવાના કિસ્સા સામે આવ્યા બાદ જિલ્લા વહિવટી તંત્ર જાગ્યું હતું અને અપિલમાં આવેલા તકરારી કેસને તાત્કાલિક ઠરાવ ઉપર લઇને ખોટી રીતે જમીન વેચાણની નોંધ રદ કરવામાં આવી છે. અગાઉ સાંપાના કાલીપુરની જમીનની વેચાણ નોંધ રદ કર્યા બાદ જુના પહાડિયા ગામની પણ નોંધ રદ કરી દેવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં રામાજીના છાપરા વિસ્તારની 14થી 20 વિઘા જેટલી જમીન બે તબક્કામાં વેચાણ કરવામાં આવી છે તે અંગે પણ નિર્ણય કરવામાં આવશે અને વેચાણ નોંધ રદ પ્રાંત અધિકારીની કોર્ટમાં કરી દેવાશે.