નવી દિલ્હી : ચાઈનીઝ સ્ટીલ મેન્યુફેકચરરોએ સ્ટીલની માંગ મંદ રહી હોવા સાથે હજુ વધુ ઘટાડો થવાના અંદાજો સાથે માર્જિનમાં કડાકો બોલાઈ જવાના અંદાજોએ ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે. ચાઈનાના સ્ટીલ મેન્યુફેકચરરોએ જુલાઈ મહિનામાં સ્ટીલ ઉત્પાદનમાં બન્ને માસિક અને વાર્ષિક ધોરણે ૯ ટકા ઘટાડો કરીને ૮૨૯.૪ લાખ ટનનું ઉત્પાદન કર્યું છે. જે વર્ષ ૨૦૨૪માં નોંધાયેલું સૌથી ઓછું ઉત્પાદન હોવાનું નેશનલ બ્યુરો ઓફ સ્ટેટેસ્ટિક્સના આંકડામાં દર્શાવાયું છે. આ સાથે વર્ષના પ્રથમ સાત મહિનામાં કુલ સ્ટીલ ઉત્પાદન ૨.૨ ટકા ઓછું ૬૧.૩૭ કરોડ ટન જેટલું થયું છે.ચાઈનાના રિયલ એસ્ટેટ માર્કેટમાં મંદી અને ફેકટરી ઉત્પાદનમાં ઘટાડા તરફી ટ્રેન્ડના કારણે સ્થાનિક ભાવોમાં તીવ્ર ઘટાડો જોવાયો છે અને વિશ્વ બજારોમાં પણ ચાઈનીઝ મેટલની મોટો માલ ભરાવો થયો હોવાનું જોવાયું છે. વિશ્વના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક દેશે ૧૪, ઓગસ્ટના ચેતવણી જારી કરી છે કે, ઉદ્યોગ વર્ષ ૨૦૦૮ અને વર્ષ ૨૦૧૫ કરતાં પણ ગંભીર કટોકટીની પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે.સ્ટીલની માંગમાં ઘટાડા સાથે ઉદ્યોગ માટે પ્રમુખ માંગના સ્ત્રોત કન્સ્ટ્રકશન ક્ષેત્રે પણ નવા ઘરોના વેચાણમાં ખાસ કોઈ વૃદ્વિ નહીં દેખાતાં પરિસ્થિતિ વધુ કથળવાનો અંદાજ મૂકાઈ રહ્યો છે. બીજી તરફ સરકાર પણ આ નબળી પરિસ્થિતિ છતાં ઈન્ફ્રાસ્ટ્રકચર પરના ખર્ચમાં વેગ લાવતી નહીં હોવાનું નેગેટીવ પરિબળ રહ્યું છે. જેથી વર્ષ ૨૦૨૪માં ચાઈનીઝ સ્ટીલનો વપરાશ ત્રણ ટકા જેટલો ઘટવાનો અંદાજ મૂકાઈ રહ્યો છે.સ્ટીલ ઉદ્યોગ વર્ષોથી વધુ પડતી ક્ષમતાથી ઘેરાયો છે. પ્રદૂષણને ઓછું કરવાના પ્રયાસમાં બૈજિંગ દ્વારા ઉત્પાદન પર લિમિટ બાંધવા અથવા તો પાછલા વર્ષના લેવલે ઉત્પાદનને જાળવવા પ્રયાસ કરાઈ રહ્યા છે. વર્ષ ૨૦૨૦માં ઉત્પાદનમાં મજબૂત વૃદ્વિને કારણે એક અબજ ટનનો આંક પાર થયો હતો.