નવી દિલ્હી : કડક નિયમોને કારણે વૃદ્ધિમાં અપેક્ષિત મંદી હોવા છતાં, ભારતનું સંગઠિત ગોલ્ડ લોન માર્કેટ આગામી પાંચ વર્ષમાં બમણું થઈને રૂ. ૧૪.૧૯ લાખ કરોડ થવાની ધારણા છે. એક રિપોર્ટમાં આ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.દેશના ગોલ્ડ લોન માર્કેટ પર જાહેર કરાયેલા આ રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સંગઠિત ગોલ્ડ લોન માર્કેટમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી અને તે ૭.૧ લાખ કરોડ રૂપિયાના મૂલ્ય પર પહોંચી ગયું હતું. આ મુજબ, પાંચ વર્ષમાં ૧૪.૮૫ ટકાના વાર્ષિક વૃદ્ધિ દરે, નાણાકીય વર્ષ ૨૦૨૮-૨૯ સુધીમાં સોના સામે લોનનું બજાર ૧૪.૧૯ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાની સંભાવના છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય પરિવારો પાસે ૨૫,૦૦૦ ટનનો અંદાજિત સોનું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય પરિવારો પાસે હાલના સોનાનું મુલ્ય લગભગ ૧૨૬ લાખ કરોડ રૂપિયા છે. ગોલ્ડ માર્કેટ સામેની લોનમાં આગામી બે વર્ષમાં મધ્યમ વૃદ્ધિ જોવા મળશે કારણ કે સોના સામે લોન આપનારા ધિરાણકર્તાઓને લોન ટુ વેલ્યુ જાળવણી અને હરાજીને લગતી પ્રક્રિયાઓ અંગે યમનકારી સત્તાવાળાઓની તપાસનો સામનો કરવો પડે છે.આ માર્કેટમાં બીજી સૌથી મોટી કંપનીના નિષ્ક્રિય થવાથી ચાલુ નાણાકીય વર્ષમાં બજારના વિકાસને અસર થશે. વધુમાં, રોકડ વિતરણ પર બિન-બેંકિંગ નાણાકીય કંપનીઓ માટે રિઝર્વ બેંકની સલાહ, જે રોકડ વિતરણની રકમને ૨૦,૦૦૦ રૂપિયા સુધી મર્યાદિત કરે છે, તે ગ્રાહકોને અસંગઠિત ક્ષેત્ર પર આધાર રાખવા દબાણ કરી શકે છે.