ઢાકામાં હાલ ખૂબ જ ભયજનક સ્થિતિ છે. ટોળા દ્વારા જે પ્રકારે હુમલા કરવામાં આવી રહ્યા છે તેનાથી અનેક ભારતીયો-બાંગ્લાદેશમાં વર્ષો વસેલા હિંદુઓ ભય અનુભવી રહ્યા છે તેમ ઢાકામાં ફસાયેલા ભારતીયોએ જણાવ્યું છે.
દેશ પરત ફરવા માટે સતત ભારતીય હાઈ કમિશનના સંપર્કમાં :
બાંગ્લાદેશમાં હાલ 19 હજારથી વધુ ભારતીયો છે. ગુજરાતમાંથી પણ અનેક લોકો નોકરી માટે છેલ્લા કેટલાક વર્ષથી બાંગલાદેશમાં છે. હવે ત્યાંની સ્થિતિ વણસતાં તેઓ ચિંતાની સ્થિતિમાં મૂકાયા છે અને સ્વદેશ પરત ફરવા માટે સતત ભારતીય હાઈ કમિશનના સંપર્કમાં છે.
પોલીસ પર પણ જીવલેણ હુમલા થઈ રહ્યા છે :
બાંગલાદેશમાં ફસાયેલા એક ભારતીયએ જણાવ્યું કે, ‘ઢાકામાં છેલ્લા કેટલાક દિવસથી લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. પોલીસ પર જ જીવલેણ હુમલા થઈ રહ્યા છે એટલે તેમાં સામાન્ય વ્યક્તિએ રક્ષણની મદદ કોની પાસે માગવી તે જ મોટો સવાલ થઈ ગયો છે. કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગ્યા છે. મોટાભાગના હિંદુઓ છેલ્લા ઘણા દિવસથી ઘરથી બહાર જ નીકળ્યા નથી. ઘરમાં અનાજ ખૂટવા આવ્યું છે પણ હાલની સ્થિતિમાં તેમના માટે બહાર નીકળી શકાય એમ નથી. ઝડપથી બધું જ થાળે પડશે તેવો તેમને આશાવાદ છે.’એક ખાનગી કંપનીના પ્રોજેક્ટ માટે ઢાકા ગયેલા વડોદરાના હિમાંશુ હાથીએ જણાવ્યું કે, ‘છેલ્લા 20 દિવસથી ઈન્ટરનેટ જ બંધ હોવાથી પરિવાર સાથે સંપર્ક કરવામાં સમસ્યા નડી હતી. સોમવારે બપોરથી ઈન્ટરનેટ ચાલુ થઇ ગયું છે. હું અને મારી સાથેનો અન્ય એક ભારતીય કંપનીના ગેસ્ટહાઉસમાં સુરક્ષિત છીએ અને કોઈ સમસ્યા હેઠળ નથી. ગેસ્ટહાઉસમાં રહેલા કોઈને પણ બહાર નહીં નીકળવા કંપની દ્વારા સૂચના અપાઇ છે.
વિમાન ભાડું વધ્યું :
સ્થિતિ ગંભીર બનતાં અનેક લોકો ગત સપ્તાહે જ ભારત પરત ફર્યા હતા. ઢાકાથી દિલ્હી પરત ફરવા માટેની ટિકિટ સામાન્ય દિવસોમાં રૂપિયા 7 હજારથી વધીને રૂપિયા 50 હજાર થઈ ગઈ છે.