અમેરિકાની શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચના નવા રિપોર્ટમાં સેબી ચીફ માધબી પુરી બુચ અને તેમના પતિ સામે ગંભીર આક્ષેપ કરાતાં તેઓ ચર્ચામાં છે. સેબીનાં પ્રથમ મહિલા ચેરપર્સન માધબી પુરી બુચ 1 માર્ચ 2022થી આ હોદ્દા પર છે. સેબીના ચેરપર્સન બનતાં પહેલાં એપ્રિલ 2017થી 2022ના માર્ચ સુધી માધબી બુચે સેબીમાં પૂર્ણકાલીન ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. માધબી પુરીને સેબીનાં ચેરમેન બનાવાયાં ત્યારે પણ વિવાદ થયો હતો. સેબીના ચેરમેન તરીકે આઈએએસ અધિકારીની નિમણૂક કરવાની પરંપરા છે. મોદી સરકારે આ પરંપરા તોડીને નોન-આઈએએસ માધબીને ચેરમેન બનાવ્યાં હતાં. માધબી સેબીનાં ચેરમેન બનનારાં માત્ર બીજા નોન-આઈએએસ છે. આ પહેલાં અટલ બિહારી વાજપેયી સરકારે 2002માં એલઆઈસીના ભૂતપૂર્વ ચેરમેન જ્ઞાનેન્દ્રનાથ વાજપેયીને સેબીના ચેરમેન બનાવ્યા હતા. મહારાષ્ટ્રમાં 1966માં જન્મેલાં માધબી પુરીના પિતા કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતા હતા જ્યારે માતા પોલિટિકલ સાયન્સનાં પ્રોફેસર હતાં. માધબી પુરી બુચે શાળાકીય શિક્ષણ દિલ્હી અને મુંબઈમાં પૂરું કર્યું હતું. દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજમાંથી ગ્રેજ્યુએટ માધબી પુરીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ (IIM-A)માંથી એમબીએ કર્યું હતું.