સરકારની શિક્ષણમાં અવ્વલ નંબરે હોવાની ગુલબાંગોનો ફુગ્ગો તો વિદેશ સ્થાયી થયેલા અને લાંબા અરસાથી ઘેરહાજર રહેતા શિક્ષકોએ ફોડી જ નાંખ્યો છે. ગાંધીનગર જિલ્લામાં નોંધાયેલા આવા કિસ્સાઓમાં પણ આગામી સોમવાર સુધીમાં કાયદેસરની કાર્યવાહી કરીને એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરી શિક્ષણ વિભાગે તાકીદ કરી છે. 23 માંથી 16 જેટલા કિસ્સામાં શિક્ષકોને બરતરફ કરવામાં આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.લાંબા સમયથી ગેરહાજર હોવા છતાં શિક્ષકોના નામ શાળાના ચોપડે બોલતા રહેવાનો ભાંડો ફૂટ્યા પછી રાજ્ય સરકાર કુંભકર્ણી નિદ્રામાંથી સફાળી જાગી હતી અને રાજ્યવ્યાપી તપાસના આદેશ છોડયા હતાં. ગાંધીનગર જિલ્લામાં પ્રાથમિક વિભાગમાં ગેરહાજર શિક્ષકોમાં ગાંધીનગર તાલુકાના ઉવારસદ ગામની શાળાના 2, ટીંટોડા ગામના 2 ઉપરાંત અડાલજ, બુટાકિયા, બાપુપુરા, માધવગઢ અને મગોડીની શાળાના છે.કલોલ તાલુકામાં આનંદપુરા, બાલવા, રામનગર, વાગોસણા, ખાત્રજ, ઉનાલી, વાંસજડા-ક અને કાંઠા ગામની શાળાના શિક્ષક ઉપરાંત માણસા તાલુકામાં બોરૂ અને બાપુપરાની શાળાના અને દહેગામ તાલુકામાં અમરાજીના મુવાડાની શાળાના શિક્ષક સામેલ હતાં. જ્યારે ગાંધીનગર શહેરમાં પેથાપુરની શાળાના શિક્ષક અને માધ્યમિક વિભાગમાં દહેગામના પાલુન્દ્રા ગામની શાળાના અને માણસાના દેલવાડા ગામની શાળાના શિક્ષક ગેરહાજર રહેતા હોવાનું અધિકારી સૂત્રોએ જણાવ્યુ હતું. હવે આ પૈકીના વિદેશ ગમનના કિસ્સામાં ટર્મિનેશનની પ્રક્રિયા હાથ ધરાશે.