રાજકોટ : ચોમાસાની ઋતુ દરમિયાન બંધ કરવામાં આવેલા સાસણ ગીર વન્યપ્રાણી અભયારણ્યને આગામી 16મી ઑક્ટોબરથી ખુલ્લુ મૂકવામાં આવશે. આ માટે ઓનલાઇન બુકિંગ શરુ કરી દેવામાં આવ્યું છે. 16મી ઑક્ટોબરથી પ્રવાસીઓ સિંહ દર્શનનો લહાવો લઈ શકે છે.ચોમાસાની ઋતુ દરમિયાન સાસણ ગીર વન્ય પ્રાણી અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાન નિયમ અનુસાર બંધ કરવામાં આવ્યા હતા. હવે ટૂંક સમયમાં ચોમાસું વિદાય લેશે ત્યારે સાસણ ગીર ખાતે ઈકો ટુરિઝમ ઝોન નિયત રૂટ પર 16મી ઑક્ટોબરથી પ્રવાસન સ્થળને ખુલ્લું મૂકવામાં આવશે.સાસણની મુલાકાતે આવતા દેશ-વિદેશના નાગરિકો તેમની પ્રવેશ પરમિટ આગોતરા ઓનલાઇન બુકિંગ કરાવી શકશે. આ માટે પ્રવાસીઓ ઓફિશ્યલ વેબસાઇટ girlion.gujarat.gov.in પરથી પરમિટ બુકિંગ કરી શકશે. આ ઉપરાંત ઓનલાઇન બુકિંગ માટે અન્ય કોઈ વેબસાઇટને અધિકૃત કરવામાં આવી નથી.