CCTV Camera on Traffic Junction: અમદાવાદ મ્યુનિ.ના સેફ એન્ડ સિક્યોર અમદાવાદ પ્રોજેકટ અંતર્ગત શહેરના તમામ ટ્રાફિક જંકશન ઉપર સી.સી.ટી.વી.કેમેરા લગાવવા નિર્ણય કરવામાં આવ્યો હતો. શહેરના 290 પૈકી 160 ટ્રાફિક જંકશન ઉપર સી.સી.ટી.વી.કેમેરા જ નથી. 130 ટ્રાફિક જંકશન ઉપર 1999 સી.સી.ટી.વી.કેમેરા લગાવવા રુપિયા 16.20 કરોડનો ખર્ચ કરવામા આવ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બાકીના ટ્રાફિક જંકશન ઉપર સી.સી.ટી.વી.કેમેરા લગાવવા કોઈ ખર્ચ કરાયો નથી.
ભારત સરકારના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત અમદાવાદને દેશના પ્રથમ વીસ શહેરમાં સ્થાન આપવામાં આવતા વર્ષ-2016 પછી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડની રચના કરવામાં આવી હતી.
પાન સિટી તથા એરીયાબેઝ શહેરનો વિકાસ કરવા સેફ એન્ડ સિક્યોર અમદાવાદ પ્રોજેકટ હેઠળ તમામ ટ્રાફિક જંકશન ઉપર સી.સી.ટી.વી.કેમેરા લગાવવાના હતા.એડવોકેટ અતિક સૈયદે કહ્યું, સાત ઝોનના વિવિધ વોર્ડ વિસ્તારમાં કુલ 290 ટ્રાફિક જંકશન આવેલા છે.
વર્ષ-2018-19થી વર્ષ-2020-21 સુધી અલગ અલગ વિસ્તારમાં આવેલા ટ્રાફિક જંકશન ઉપર સી.સી.ટી.વી.કેમેરા લગાવવામા આવ્યા પછી વર્ષ-2021-22થી ત્રણ વર્ષમાં મ્યુનિ.ના સ્માર્ટ સિટી મિશન તરફથી બાકી રહેલા ટ્રાફિક જંકશન ઉપર સી.સી.ટી.વી.કેમેરા લગાવવા કોઈ ખર્ચ કરાયો નથી કે કાર્યવાહી પણ કરવામાં આવી નથી.તમામ ટ્રાફિક જંકશન ઉપર મ્યુનિ.તંત્રે સી.સી.ટી.વી.કેમેરા લગાવ્યા નહીં હોવાથી શહેર પોલીસ ચોરી,લૂંટ, અકસ્માત જેવા ગુનાઓમાં ગુનેગારોને પકડી શકતી નથી.
કયા મુખ્ય ટ્રાફિક જંકશન ઉપર કેમેરા નથી
સેફ એન્ડ સિક્યોર અમદાવાદ પ્રોજેકટ અંતર્ગત શહેરના તમામ 290 ટ્રાફિક જંકશન ઉપર સી.સી.ટી.વી.કેમેરા લગાવવાનો નિર્ણય સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત કરવામાં આવ્યો હતો. શહેરમાં હાલમાં પણ 160 ટ્રાફિક જંકશન ઉપર સી.સી.ટી.વી.કેમેરા લગાવાયા નથી.આ પૈકી કેટલાક મુખ્ય ટ્રાફિક જંકશનની વિગત આ મુજબ છે.
- પંચતીર્થ ટ્રાફિક જંકશન
- ડુંગરીશનગર ટ્રાફિક જંકશન
- પીરકમાલ મસ્જિદ ટ્રાફિક જંકશન
- રાયખડ ટ્રાફિક જંકશન
- ઓઢવ ફાયર સ્ટેશન ટ્રાફિક જંકશન
- પકવાન ટ્રાફિક જંકશન
- ડફનાળા ટ્રાફિક જંકશન
- ગીરધરનગર ટ્રાફિક જંકશન
- કામા હોટલ ટ્રાફિક જંકશન
- માઉન્ટ કાર્મેલ ટ્રાફિક જંકશન