હરિયાણાના અંબાલામાં કિસાન આંદોલનને કારણે છેલ્લા 5 મહિનાથી દિલ્હી-અમૃતસર હાઈવે બંધ છે. હરિયાણા-પંજાબ બોર્ડરને અલગ કરતી ઘગ્ગર નદીના એક કિનારે ખેડૂતો ઉભા છે, તો સામેની બાજુ અર્ધલશ્કરી દળો ઉભા છે. જેના કારણે શંભુ બોર્ડર પરનો આ રસ્તો 5 મહિનાથી સામાન્ય જનતા માટે સંપૂર્ણપણે બંધ છે. અહીં રોજબરોજના કામકાજ તેમજ નોકરી કરવા જતા લોકોને આવવા- જવા માટે ઘગ્ગર નદીના કિનારે બનાવેલા પાકા રસ્તાનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ, હાલમાં ખરાબ સમાચાર એ છે કે, હવે આ રસ્તો પણ બંધ થવાનો છે. જેના કારણે સ્થાનિક લોકોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે.
ઘગ્ગર નદીમાં પાણીનો વધારો થતા પુલ અને રસ્તાઓ બંધ
હાલમાં પંજાબ, હરિયાણા અને હિમાચલમાં ચોમાસું બરોબર જામ્યું છે. ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘગ્ગર નદીમાં સતત પાણીનો વધારો થવાથી પુલ અને આસપાસના કાચા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. સ્થાનિક ગ્રામવાસીના જણાવ્યા પ્રમાણે, રોજબરોજ નોકરી માટે જતા લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે. પરંતુ હવે લોકોને એવો પણ ડર સતાવી રહ્યો છે કે, જો વરસાદ બાદ ઘગ્ગર નદીમાં પાણી વધી જશે તો, લોકો નોકરીએ કેવી રીતે જશે. જો કે, હવે થોડા સમયમાં જ ઘગ્ગર નદીમાં પાણીનું સ્તર વધશે તેવી સંભાવના દેખાઈ રહી છે.
આ મામલે કોઈ ચોક્કસ ઉકેલ લાવવામાં આવશે: એસપી અંબાલા
જો કે, હરિયાણાથી પંજાબ જવા માટે આમ તો બીજા ઘણા પાકા હાઈવે છે, પરંતુ અંબાલા અને શંભુની નજીકના ગામો અને આસપાસના વિસ્તારોમાંથી મુસાફરી કરવા માટે લોકો પાકા રસ્તાઓનો ઉપયોગ કરે છે. અને જો લોકો બીજા રસ્તા પરથી જાય, તો તેમને 40 થી 50 કિલોમીટરની વધુ મુસાફરી કરવી પડશે. એસપી અંબાલા સુરેન્દ્ર સિંહે કહ્યું કે, આ એક ગંભીર મુદ્દો છે, અને આ મામલે કોઈ ચોક્કસ ઉકેલ લાવવામાં આવશે. તેમણે કહ્યું કે, હું હાલમાં જ જોડાયો છે, અને મેં આ અંગેની તમામ માહિતી માંગી છે. વાતચીત બાદ આ સમસ્યાનો ઉકેલ લાવીશું.