સુદાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં શનિવારે અર્ધલશ્કરી દળના બળવાખોર સૈનિકોએ એક ગામ પર હુમલો કરી દીધો. જેમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 85 લોકો માર્યા ગયા હતા. આ હુમલા દરમિયાન ઘરોમાં આગચંપી અને તોડફોડ મચાવી દેવામાં આવી હતી. અધિકારીઓએ કહ્યું કે છેલ્લા 18 મહિનાથી ચાલી રહેલા સંઘર્ષની આ સૌથી ખતરનાક ઘટના છે. સુદાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં 150થી વધુ ગ્રામજનો ઘાયલ થયા હતા. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે એપ્રિલમાં અહીં ગૃહ યુદ્ધ શરૂ થયું ત્યારથી આરએસએફ પર દેશભરમાં વારંવાર નરસંહાર, દુષ્કર્મ અને અન્ય ગંભીર અત્યાચાર કરવાના આરોપ લાગી રહ્યા છે. અહેવાલ મુજબ ઘટનાનો ઉલ્લેખ કરતા 3 ગ્રામવાસીઓએ કહ્યું કે સેંકડો આરએસએફ બળવાખોરોએ ગામમાં ઘૂસી વિસ્તારને ઘેરી લીધો હતો અને કલાકો સુધી સતત ગોળીબાર કર્યો અને લૂંટ ચલાવી. રિપોર્ટ અનુસાર હોસ્પિટલમાં 80થી વધુ મૃતદેહો જોવા મળ્યા હતા, જેમાં 24 મહિલાઓ અને સગીરોનો સમાવેશ થતો હતો.
મોટી સંખ્યામાં લોકોની હિજરત :
સુદાનની હાલત દિવસે ને દિવસે બદતર થતી જઇ રહી છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસન સંગઠને જણાવ્યું કે ગૃહ યુદ્ધ શરૂ થયા બાદથી અત્યાર સુધી 10.7 મિલિયનથી વધુ લોકો બેઘર થઈ ગયા છે અને તેમાંથી 2 મિલિયનથી વધુ લોકો તો પાડોશી દેશોમાં પલાયન કરી ગયા છે.