યુક્રેને રશિયા ઉપર કરેલાં પ્રચંડ વળતાં આક્રમણ દ્વારા રશિયાના કુર્કસ વિસ્તારમાં ૧,૧૫૦ ચો.કિ.મીનો પ્રદેશ કબજે કરી લીધો છે. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી રશિયા ઉપર થયેલો આ સૌથી મોટો હુમલો છે. જેથી ધૂંધવાઈ ઉઠેલા ડુમાના સાંસદ મિખાઇલ શેરેમેટે કહ્યું હતું કે હવે વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ઢસડાઈ રહ્યું છે.શેરેમેટે વધુમાં કહ્યું હતું કે કુર્કસ વિસ્તારમાં યુક્રેને કરેલા આ હુમલામાં પશ્ચિમનાં શસ્ત્રો ઉપયોગમાં લેવામાં આવ્યાં હતાં. જેની મદદથી યુક્રેને આટલા વિશાળ વિસ્તાર ઉપર કબ્જો જમાવ્યો છે. પરંતુ અમે તેને મારી હઠાવીશું. ઉલ્લેખનીય છે કે ચીનના શી-જિન-પિંગ તો પહેલેથી જ રશિયા તરફી છે. ઉપર કોરિયાના કીમ જોંગ ઉને પહેલેથી જ રશિયાને સાથ આપ્યો છે. ઇરાન પહેલેથી જ અમેરિકા વિરોધી અને રશિયા તરફી રહ્યું છે. રશિયા તેનાં ડ્રોન વિમાનો આપે છે. દુનિયા હવે સ્પષ્ટ રીતે બે ભાગમાં વહેંચાઈ એક તરફ અમેરિકાનાં નેતૃત્વ નીચેના નાટો દેશો તેમજ પશ્ચિમ તરફી સાથી દેશો છે. બીજી તરફ રશિયાનાં નેતૃત્વ નીચેના ચીન ઉત્તર કોરિયા અને ઇરાનનાં ધરી રાજ્યો છે.દ્વિતીય વિશ્વયુદ્ધ પહેલાં પણ વિશ્વ સાથી રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રોમાં વહેંચાઈ ગયું હતું તે સમયે જર્મની, ઇટાલી અને જાપાનનાં ધરી રાજ્યો હતાં. બીજી તરફ અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાંસ સહિતનાં સાથી રાષ્ટ્રો હતાં. જેમની સાથે પછી તે સમયનું સામ્યવાદી રશિયા પણ ભળ્યું હતું. આમ વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. તેવી જ પરિસ્થિતિ અત્યારે જરા જુદી રીતે ઉપસ્થિત થઇ છે. પરંતુ વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું છે તે નિશ્ચિત છે.