વડોદરા : વડોદરા શહેરમાં આવતીકાલે સોમવારે ઇદે-મિલાદ અને મંગળવારે ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને પોલીસે ચુસ્ત બંદોબસ્તનું આયોજન કર્યું છે. બંને ધર્મના તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે વધારાની પોલીસ ફોર્સ બોલાવવામાં આવી છે. આ ઉપરાંત, સીસીટીવી સહિતના ટેકનિકલ સાધનોથી પણ પોલીસ ચાંપતી નજર રાખશે. રાજ્યના કેટલાક શહેરોમાં ગણેશોત્સવમાં થયેલા પથ્થરમારાની ઘટનાઓને લઈને પોલીસ વધુ સતર્ક બની છે.ઇદે-મિલાદ અને ગણેશ વિસર્જનના દિવસે બંદોબસ્તનું સીધું મોનિટરિંગ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવશે. જેમાં શહેરમાં હાજર સંયુક્ત પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, પાંચ નાયબ પોલીસ કમિશનર, 12 મદદનીશ પોલીસ કમિશનર, 57 પી.આઇ, 165 પી.એસ.આઇ, 3,200 પોલીસ જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે.