
આપણે બધાંય જાણીએ જ છીએ કે મહાકુંભ દર 144 વર્ષે આવે છે અને મનુષ્ય માત્ર માટે તેની જિંદગીમાં ફક્ત એક જ વખત આવે છે. તો વૈદિક ધર્મમાં આસ્થા રાખનાર પ્રત્યેક વ્યક્તિના મનમાં એક દ્વંદ્વ યુદ્ધ થાય છે કે, ત્રિવેણીસંગમ જઈ આવવું જોઈએ કે પછી ”મન ચંગા તો કથરોટમે ગંગા” માની લેવું જોઈએ? તો, મારા મત મુજબ આ બેઉ તર્ક પોતાની જગ્યાએ યોગ્ય જ છે. જો વૈદિક વિચારધારાના લગભગ સવા સો કરોડ લોકો ત્યાં જવા ઈચ્છે તો શક્ય છે? બીજી બાજુ, કેટલા લોકો એટલો માનસિક વિકાસ કરી શકે કે જેઓ કાથરોટના જળમાં જ ગંગા નિહાળી શકે? જે લોકો ત્યાં ગયા છે તેનું માનીએ, તો મા ગંગા આનંદદાયી, મોક્ષદાયી, આહ્લાદ જન્માવનારી અને પતિત પાવક છે. જેમ આપણા માટે આપણી માનો સાડલો મેલો હોય શકે પણ અપવિત્ર ન જ હોય, તેમ ગંગાનું પાણી આપણી ભૂલના લીધે અને અણઆવડતના લીધે અસ્વચ્છ ચોક્કસ હોય શકે પરંતુ અપવિત્ર તો ન જ હોય. એ તો પુણ્યદા, મોક્ષદા ને પરમ પવિત્ર જ છે. આવી મા ગંગાનું પવિત્ર મનથી સ્મરણ કરીને આપણા બાથરૂમની ડોલના પાણીથી નાહીએ તો ડૂબકી મારી ગણાય કે? કે પછી, કોઈ પણ ભોગે સંગમ જવું જ પડે? બસ, મનમાં ઊઠેલ આવા જ પ્રશ્નો પછી રચાયાલી એક ગઝલ આપ સૌ સુજ્ઞ ભાવકગણ સમક્ષ પ્રસ્તુત છે જે આપને ચોક્કસ ગમશે.
એક ગઝલ..
મહાકુંભ પાછો તરત આવશે નહિ,
અને આવશે તો, તું હાજર હશે નહિ..
તું પહેરેલાં કપડે જ નીકળી જા જલ્દી,
તને કાળ આ તક ફરી આપશે નહિ..
સમય કાઢ કાયાના કલ્યાણ માટે,
એ તારા સિવાય અન્યને ફાવશે નહિ..
નથી આઠમા તારા પૂર્વજ તને યાદ,
તનેય આઠમી પેઢી સંભારશે નહિ..
તું મનથીય ગંગામાં મારી લે ડૂબકી,
એ મા છે, તો ક્યારેય ધિક્કારશે નહિ..
છે દરખાસ્ત મારી, ત્યાં જઈ આવ, ‘ધીરજ!’
તું અહીં રહીને પણ ધાડ કંઈ મારશે નહિ..
લગીર જાત માટે તું સ્વાર્થી બની જા,
બધે સાવ ‘નિઃસ્વાર્થ’ થઈ ચાલશે નહિ..
✍️ ડૉ. ધીરજ એસ. બલદાણિયા ‘નિઃસ્વાર્થ’