હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગ જિલ્લામાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો 10 કલાકમાં 8 ઈંચ સુધી વરસાદ પડતા નદીઓ ગાંડીતૂર બની હતી. તાપી જિલ્લાના અનેક ગામોમાં પાણી ફરી વળતા 350થી વધુ લોકોને રેસ્ક્યુ કરાયા હતા. જેમાં વાલોડની વાલ્મિકી નદીમાં ફસાયેલા બે લોકોનું હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરાયું હતું. ઉપરવાસના વરસાદને લઇ નવસારી જિલ્લાની પૂર્ણા અને અંબિકા નદીમાં ફરી ઘોડાપૂર આવ્યા હતા.
દક્ષિણ ગુજરાતમાં 153 રસ્તા બંધ :
તાપી જિલ્લામાં સોમવારી અમાસ ભારે વરસાદ લઈને આવતા વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સાંજે 4 વાગ્યે પુરા થતા 10 કલાકમાં વ્યારામાં 8 ઇંચ, સોનગઢમાં 8 ઇંચ, ઉચ્છલમાં 6.7 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદ સાથે તાપી જિલ્લાના બોર્ડરને અડીને આવેલા ડાંગ જિલ્લાના વનક્ષેત્રમાં આભ ફાટતા ડોલવણ, વ્યારા અને વાલોડ તાલુકામાંથી પસાર થતી નદીઓ ગાંડીતૂર બનીને વહી હતી. અનેક ગામોમાં ઘરોમાં પાણી ભરાયા હતા. જિલ્લાના 101 રસ્તા બંધ કરાયા હતા. એનડીઆરએફની ટીમે 350થી વધુ લોકોને રેસ્ક્યુ કર્યા હતા.ડાંગ જિલ્લામાં સોમવારે સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. છેલ્લા 12 કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ 4.96 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેમાં વઘઇમાં 8.28 ઇંચ અને સુબીરમાં 5.88 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થવા સાથે માટીનો મલબો રોડ પર ધસી આવતા કુલ 13 માર્ગો અવરોધાયા છે. નવસારી જિલ્લાનાં ઉપરવાસમાં આવેલા આહવા-ડાંગ અને સાપુતારામાં ધોધમાર વરસાદ ખાબકતાં અંબિકા-પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યા છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા છે. જિલ્લામાં 10 સૌથી વધુ વરસાદ વાંસદા તાલુકામાં 6.6 ઈંચ નોધાયો હતો. બીલીમોરાની અંબિકા નદીના ઘોડાપૂરમાં એક ટ્રક સાથે 10 શ્રમજીવી ફસાયા હતા. જેમને સલામત બહાર કાઢી લેવાયા હતા. જિલ્લામાં કુલ 22 માર્ગ બંધ થયા હતા.
ભારે વરસાદ માટે રેડ-ઓરેન્જ એલર્ટ :
3 સપ્ટેમ્બર : છોટા ઉદેપુર, નર્મદા, સુરતમાં રેડ એલર્ટ. બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેેલીમાં ઓરેન્જ એલર્ટ.
4 સપ્ટેમ્બર : ભરૂચ, સુરતમાં રેડ એલર્ટ. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ.
5 સપ્ટેમ્બર : બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, કચ્છમાં ઓરેન્જ એલર્ટ.