અમદાવાદમાં દિવસેને દિવસે ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બનતી જાય છે. આ ટ્રાફિક કાબુમાં રાખવા અમદાવાદ શહેરમાં ઘણાં નવા બ્રિજ અને અંડરપાસ બનાવાયા છે, પરંતુ ટ્રાફિકનો પ્રશ્ન સહેલાઈથી ઉકેલાતો નથી. ત્યારે અમદાવાદીઓને રાહત સાથે ખુશી આપતા સમાચાર છે કે, અમદાવાદના સૌથી વ્યસ્ત એસ.જી. હાઈવે પર વધુ બે ઓવરબ્રિજ બનાવાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા બાદ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરુ થઈ જાય તેવી અપેક્ષા છે.
છેલ્લા બે દાયકામાં અમદાવાદ શહેરે વિકાસની હરણફાળ ભરી છે. જો કે વિકાસની હરફાળની સાથે શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ દિવસે દિવસે વકરી રહી છે. શહેરના મોટા રસ્તા પર અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે. જો કે શહેરની ટ્રાફિક વ્યવસ્થાને પહોંચી વળવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સતત પ્રયત્નશીલ છે.
આ પ્રયાસના ભાગરૂપે એસ.જી. હાઈવે પર એક ઓવરબ્રિજ ગોતાથી નિરમા વચ્ચે અને અન્ય એક YMCA ક્લબથી કર્ણાવતી વચ્ચે નિર્માણ કરાશે. આ બંને બ્રિજ બનતા જ એસ.જી. હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને રાહત મળશે. આ બંને ઓવરબ્રિજનો કુલ ખર્ચ રૂ. 210 કરોડ જેટલો અંદાજવામાં આવ્યો છે. જો કે આ બ્રિજના કામગીરી ક્યારે શરુ થશે તેની ચોક્કસ સત્તાવાર તારીખ જાહેર થઈ નથી, પરંતુ ચોમાસા બાદ ઓવરબ્રિજની કામગીરી શરુ થઈ જવાની આશા છે.