અંક્લેશ્વર ખાતે આવેલી લોર્ડ્સ પ્લાઝા હોટલમાં ઝઘડિયાની GIDC સ્થિત થર્મેક્સ કંપની દ્વારા આયોજિત ઓપન ઇન્ટરવ્યૂમાં હજારોની સંખ્યામાં યુવાનો ઊમટી પડતાં હોટલની રેલિંગ તૂટી પડી હતી, જેમાં કેટલાક યુવાનો નીચે પટકાયા હતા. જોકે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી. એ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. ભારે ભીડને કારણે હોટલની રેલિંગ પણ તૂટી પડી અંકલેશ્વરની જાણીતી હોટલમાં ઝઘડિયા GIDC સ્થિત થર્મેક્સ કંપની દ્વારા ઓપન ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માત્ર 10 જેટલી પોસ્ટ માટેની ભરતી માટેના ઓપન ઇન્ટરવ્યૂમાં થોડા સમયમાં હજારો ઉમેદવારો નોકરી મેળવવાની આશા સાથે ઊમટી પડ્યા હતા, જેથી ભારે ભીડને કારણે સ્થિતિ વિકટ બની હતી અને હોટલની રેલિંગ પણ તૂટી પડી હતી. હજારો ઉમેદવારો નોકરીની આશાએ ઊમટી પડ્યા ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા ત્યાં જરૂરી સુવિધાનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.
ત્યારે જો કોઈ મોટી હોનારત સર્જાઈ હોત તો જવાબદાર હોટલ કે કંપની સંચાલકોને ગણવા એ પ્રશ્ન પણ ઉદભવી રહ્યો છે. ઔદ્યોગિક હબ ગણાતા ભરૂચ જિલ્લામાં શિક્ષિત બેરોજગારીનો આંક જે રીતે ઊંચે જઈ રહ્યો છે એ સામે વિદ્યાર્થી આગેવાન અને સામાજિક કાર્યકર યોગી પટેલે નિશાન સાધી પ્રજાના પ્રતિનિધિઓ અને તંત્રના જવાબદાર અધિકારીઓને ઘટતું કરવા અનુરોધ કર્યો છે.