દેશમાં મહિલાઓની સુરક્ષા અનુસંધાનમાં કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટ શરૂ કરાયા છે. જે પૈકી નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ ઈમરજન્સી કોલ બોક્ષ નામનો મહત્ત્વનો પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. આ કોલ બોક્ષ પ્રોજેક્ટમાં કોઈ વ્યક્તિ કોલ બોક્સની મદદથી પોલીસ કંટ્રોલ રૂમનો સીધો સપર્ક કરી શકે છે. હાલ અમદાવાદમાં 300થી વધુ ઈમરજન્સી કોલ બોક્ષ ઈન્સ્ટોલ કરાયા છે. જેના સારા પરિણામો મળી રહ્યા છે અને પ્રતિદિને 100 જેટલા કોલ મળી રહ્યા છે.
એક બટન દબાવવાથી પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ મળશે :
અમદાવાદમાં નિર્ભયા સેફ સીટી પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી, સિંધુ ભવન રોડ, નવરંગપુરા, સેટેલાઈટ, પ્રહલાદનગર, એસ.જી. હાઈવે સહિતના વિવિધ વિસ્તારોમાં ઈમરજન્સી કોલ બોક્ષ ઈન્સ્ટોલ કરાયા છે. જેની ખાસીયત એ છે કે કોઈ વ્યક્તિને તાત્કાલિક પોલીસની મદદ જોઈતી હોય તો બોક્સનું બટન દબાવવાથી પોલીસ કંટ્રોલ રૂમ અને નજીકની પીસીઆર વાનને મેસેજ મળી જાય છે અને ગણતરીની મિનિટોમાં પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી શકે છે. આ કોલ બોક્ષમાં વીડિયો કોલની પણ સુવિધા છે. જેથી કોલ કરનારની માહિતી પણ મળે છે. અમદાવાદમાં હાલ 300 જેટલા સ્થળો પર ઈમરજન્સી કોલ બોક્ષ ઇન્સ્ટોલ કરાયા છે. ખાસ કરીને જાહેર સ્થળો પર મહિલાઓની છેડતી કે કોઈને પડતી મુશ્કેલી સમયે આ સિસ્ટમ ઉપયોગી બને છે. પોલીસના જણાવ્યા મુજબ, પ્રોજેક્ટ મહિલા સુરક્ષાનો છે. પરંતુ, આ પ્રોજેક્ટ સિનિયર સિટીઝન સહિત તમામ લોકો માટે ઉપયોગી છે. જેમાં હાલ પોલીસ કંટ્રોલ રૂમ પર 100 જેટલા કોલ મળે છે. હાલ આ પ્રોજેક્ટ અમદાવાદ સહિત, દિલ્હી, મુંબઈ, કોલકત્તા, ચેન્નાઈ, બેંગાલુરૂ, હૈદરાબાદ અને લખનઉમાં કાર્યરત કરાયો છે.