Virat Kohli Jersey Sold: ટીમ ઇન્ડિયાના સ્ટાર કે એલ રાહુલે પોતાની પત્ની સાથે હાલમાં જ ‘ક્રિકેટ ફોર ચેરિટી’ ઓક્શનનું આયોજન કર્યું હતું. તેનો હેતુ વંચિત બાળકોને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપવાના વિપલા ફાઉન્ડેશનના મિશનને સમર્થન આપવાનો હતો. શુક્રવારે મુંબઈમાં યોજાયેલા આ ઓક્શનમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિત ઈન્ટરનેશનલ ક્રિકેટના ઘણા મોટા નામોએ આ ઉમદા હેતુ માટે પોતાની અમૂલ્ય યાદગાર વસ્તુઓનું દાન કર્યું હતું. તેમાં સૌથી મોંઘી બોલી કિંગ કોહલીની જર્સીની લાગી હતી જે રોહિત શર્મા અને એમ એસ ધોનીની બેટ કરતા પણ મોંઘી વેચાઈ. વિરાટ કોહલીની જર્સીને 40 લાખ રૂપિયામાં ખરીદવામાં આવી. ઓક્શનમાં કુલ 1.93 કરોડની રકમ એકત્ર કરવામાં આવી હતી. વિરાટ કોહલીનું યોગદાન માત્ર તેની જર્સી પૂરતું જ મર્યાદિત ન હતું તેના ગ્લવ્સ પણ ખૂબ જ આકર્ષક રહ્યા હતા, જે 28 લાખ રૂપિયામાં વેચાયા. આ ઉપરાંત રોહિત શર્માની બેટ પણ એક શાનદાર વસ્તુ હતી જે 24 લાખમાં વેચાઈ.ઈન્ડિયા અને ચેન્નાઈ સુપરકિંગ્સના દિગ્ગજ પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીએ ઓક્શનમાં પોતાની બેટ વેચીને ઈતિહાસ રચી દીધો. તેની આ બેટ 13 લાખ રૂપિયામાં વેચાઈ. આ યોગદાનની સાથે-સાથે રાહુલ દ્રવિડની બેટ પણ 11 લાખ રૂપિયામાં વેચાઈ. કે એલ રાહુલની જર્સી પણ 11 લાખ રૂપિયામાં વેચાઈ.રાહુલ અને આથિયા બંનેએ ભારપૂર્વક જણાવ્યું કે, આ કાર્ય અમારા હૃદયની ખૂબ જ નજીક છે કારણ કે, તેનાથી દિવ્યાંગ બાળકોના ઉત્થાનમાં મદદ મળશે.