રાજકોટ : સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લીધે રાજકોટ સહિત દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાનાં 2,000 ગામોમાં જૂથ યોજના મારફતે અપાતા પાણીને વિપરીત અસર થઇ છે. માળિયાનાં ખીરઇ હેડ વર્કસમાં પાણી ભરાઇ જવાથી બે દિવસથી જળ વિતરણ બંધ છે. મોરબીનાં પીપળીયા હેડવર્કસની પણ ખરાબ સ્થિતિ છે. અન્ય કેટલીક જગ્યાએ હજુ વીજ પુરવઠો ચાલુ થયો નહીં હોવાથી એક હજારથી વધુ ગામડાઓમાં પાણી વિતરણ સ્થગિત થઇ ગયું છે. અલબત્ત પૂરનાં પાણી ઓસર્યા બાદ પાણી પુરવઠા બોર્ડની ધોવાઇ ગયેલી પાઇપ લાઇનની વિગતો બહાર આવશે. પાણી વિતરણનાં વિકલ્પમાં ટેન્કરની વ્યવસ્થા ગોઠવવાનું વિચારવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રનાં રાજકોટ, દ્વારકા અને જામનગર જિલ્લામાં એક બાજુ અતિવૃષ્ટિની સ્થિતિ જોવા મળે છે. અવિરત વરસાદને લીધે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. તમામ જળાશયો ઓવરફલો છે. બીજીબાજુ પાણી પુરવઠાનાં અનેક હેડ વર્કસમાં પાણી ભરાયા છે. વીજ પુરવઠો પૂર્વવત નહીં થતાં જૂથ યોજના મારફતે ગામડામાં પાણી આપવાની વિતરણ વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે. આ વિગતોના સંદર્ભમાં રાજકોટ પાણી પુરવઠા બોર્ડની પ્રાદેશિક કચેરીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, માળિયાનાં ખીરઇ હેડવર્કસમાંથી રાજકોટનાં મોરબી, જામનગર અને દ્વારકા જિલ્લાનાં ગામોને પામી પહોંચાડવામાં આવે છે. પરંતુ હેડ વર્કસમાં પાણી ભરાઇ ગયું છે. વીજ પુરવઠો બંધ છે. મોરબીનાં પીપળીયા હેડ વર્કસમાં પણ પાણી ભરાઇ જતાં જૂથ યોજના હેઠળનાં ગામોને પાણી મળતું નથી. રાજકોટ ઝોન હેઠળનાં જિલ્લાઓમાં નર્મદાનું 150 એમએલડી પાણી આપવામાં આવતું હતું. તેના બદલે અત્યારે 50 ટકા પાણીનું વિતરણ ચાલુ છે. અલબત્ત સ્થાનિક કૂવાનાં તળ સાજા થઇ ગયા હોવાથી તેમજ બોર પુન: જીવિત થઇ જતાં પાણીનો પ્રશ્ન ગંભીર નથી. પરંતુ વરસાદી વિરામ બાદ વરાય નીકળતા પાણી વિતરણનું કામ ઝડપભેર શરૂ કરવું પડશે. સૌરાષ્ટ્રને જોડતી જૂથ યોજના હેટળની પાઇપલાઇનોને પણ ભારે વ્યાપકને લીધે અનેક સ્થળે ડેમેજ થઇ હોવાનું જણાવી જે વિસ્તારમાં ઝડપભેર વીજ પુરવઠો પુન: સ્થાપિત થશે. તેવા વિસ્તારોમાં પાણી વિતરણ પુન: શરૂ કરવામાં આવનાર હોવાનું જણાવાયું હતું.