Martyr Army Jawan Pension: દેશની સેનામાં ફરજ દરમિયાન શહીદ થતાં જવાનોના પરિવારમાં પેન્શન કોને મળશે? શહીદ જવાનના પેન્શન પર કોનો અધિકાર? કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદના આ જ સવાલનો જવાબ કેન્દ્ર સરકારે સંસદમાં શુક્રવારે આપ્યો હતો. સરકારે કહ્યું કે, આ બાબત પર અમે વિચારણા કરી રહ્યા છીએ કે, શહીદની પત્ની અને માતા-પિતા વચ્ચે પેન્શન વહેંચી દેવામાં આવે. સરંક્ષણ રાજ્યમંત્રી સંજય શેઠે લોકસભામાં એક લેખિત જવાબમાં કહ્યું કે, માતા-પિતા અને પત્ની વચ્ચે ફેમિલી પેન્શન વહેંચી દેવાનો પ્રસ્તાવ મળ્યો છે, જેના પર વિચારણા થઈ રહી છે. સરંક્ષણ મંત્રીએ કહ્યું કે, એવી માહિતી મળી છે કે, સેનાએ પણ આ વિષય પર રક્ષા મંત્રાલયને એક પ્રસ્તાવ મોકલ્યો છે. તેમણે જણાવ્યું કે, શહીદ સૈનિકોના માતા-પિતાએ આર્થિક મદદ માટે કાયદામાં સુધારાની માગ કરી છે.તમને જણાવી દઈએ કે, નિયમો પ્રમાણે ગ્રેચ્યુઈટી, પ્રોવિડન્ટ ફંડ, ઈન્સ્યોરન્સ અને એક્સ-ગ્રેશિયાની રકમ શહીદ સૈનિકના નોમિનેશન અથવા વસિયત પ્રમાણે આપવામાં આવે છે. પરંતુ વૈવાહિક કિસ્સામાં શહીદની પત્નીને પેન્શનની રકમ આપવામાં આવે છે અને અવિવાહિત શહીદના માતા-પિતાને પેન્શનની રકમ આપવામાં આવે છે.
કેમ ઉઠ્યો આ મુદ્દો? :
શહીદ જવાનોની પત્નીઓ કે માતા-પિતામાં પેન્શનનો અધિકાર કોને મળવો જોઈએ આ મુદ્દો હાલમાં ચર્ચામાં છે. છેલ્લા થોડા સમયમાં શહીદ જવાનોના પરિવારો તરફથી ફરિયાદો આવી છે કે શહીદના પેન્શન સહિતની ઘણી સુવિધાઓ પત્નીને મળી ગયા બાદ માતા-પિતા કોઈ પણ નિરાધાર બની જાય છે. આ ઉપરાંત ઘણા કિસ્સામાં પત્નીઓ સાથે પણ અભદ્રતા, ઘરની બહાર કાઢી મૂકવાની ફરિયાદો અથવા ઘરની અંદર બીજા લગ્ન માટે દબાણ કરવા જેવી બાબતો પણ સામે આવી છે. આ મામલામાં પહેલાથી જ અનંત પીડાનો સામનો કરી રહેલા માતા-પિતા અથવા પત્ની માટે ભાવનાત્મક સહારો ઉપરાંત આર્થિક સહારાની જરૂર પણ હોય છે. આ જ કારણોસર તાજેતરના સમયમાં આ મુદ્દા પર લોકોનું ધ્યાન ગયું છે.