શ્રીલંકા પ્રવાસ માટે ટી20 ફોર્મેટમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે. બીજી તરફ હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટન પણ બનાવાયો નથી. ટીમના સિલેક્શનને લઈને 2 દિવસ સુધી મીટિંગ ચાલી અને બંને દિવસ ઘણા કલાકો સુધી સ્કવોડ પર ચર્ચા કરવામાં આવી. હવે સમાચાર સામે આવ્યાં છે કે ટીમની પસંદગીને લઈને આકરી ચર્ચા અને મતભેદ પણ થયા છે. ટીમ ઈન્ડિયાનો શ્રીલંકા પ્રવાસ 27 જુલાઈથી શરૂ થશે અને 7 ઓગસ્ટ સુધી બંને દેશની વચ્ચે 3 ટી20 અને 3 વનડે મેચ રમવામાં આવશે.રિપોર્ટ અનુસાર 2 દિવસ કલાકો સુધી મીટિંગ ચાલી અને આ દરમિયાન આકરી ચર્ચા અને મતભેદ વચ્ચે ઘણા ખેલાડીઓને મીટિંગ દરમિયાન જ ફોન કરવામાં આવ્યા. આ પ્લેયર્સની સાથે ટીમના ભવિષ્યને લઈને લોન્ગ-ટર્મ પ્લાન શેર કરવામાં આવ્યો. આ ચર્ચા અન્ય મીટિંગ કરતા ખૂબ અલગ રહી, જે બાદ એ લગભગ નક્કી થઈ ગયુ છે કે ટીમ મેનેજમેન્ટ હાલ ટી20 ફોર્મેટમાં સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલમાં લીડરનું સ્વરૂપ જોઈ રહ્યાં છે.હાર્દિક પંડ્યાનો ઈજાગ્રસ્ત હોવાનો રેકોર્ડ, પસંદગી સમિતિ માટે મુશ્કેલીનું કારણ બન્યુ હતું.
જણાવાઈ રહ્યું છે કે હાર્દિકનું સતત ઈજાગ્રસ્ત થતાં રહેવાના કારણે જ કેપ્ટનશિપ સૂર્યકુમાર યાદવ પાસે ગઈ. હાર્દિક 2023 વર્લ્ડ કપ દરમિયાન પગની ઘૂંટીમાં ઈજાગ્રસ્ત હતો, જે બાદ તેણે IPL 2024માં વાપસી કરી હતી. આ સિવાય હાર્દિકે અંગત કારણોસર વનડે સિરીઝથી પોતાનું નામ પાછું લઈ લીધું છે. જેના કારણે પસંદગી સમિતિના સભ્યોમાં વધુ સંકોચ પેદા થઈ ગયો હશે.સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ પર ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે તેણે દક્ષિણ આફ્રિકામાં થયેલી ટી20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. સૂર્યાએ ખેલાડીઓ સાથે ખુલ્લા મને વાત કરીને જણાવ્યું કે તેમને દરેક અવસરે ફાયદો ઉઠાવવા માટે તૈયાર રહેવું જોઈએ. ઘણા લોકો તેની કેપ્ટનશિપની સ્ટાઈલને રોહિત શર્મા સાથે પણ જોડીને જોવા લાગ્યા છે. સૌથી સારી વાત એ છે કે પ્લેયર પણ સૂર્યાની સમક્ષ પોતાની વાત મૂકવામાં અચકાતાં નથી. હાર્દિકની તુલનામાં અન્ય પ્લેયર્સ સાથે મિત્ર જેવું વર્તન અને સારા મનમેળે જ તેમને કેપ્ટનશિપ અપાવવામાં મોટું યોગદાન આપ્યુ છે.