સરહદી ખાવડા વિસ્તારના રતડીયા, પૈયા સહિતના ગામોની સીમમાં લીઝ ધારકો લીઝ બહારનું ખોદકામ કરવા ઉપરાંત ઓવરલોડિંગ કરી માર્ગ અકસ્માત સર્જવા, રસ્તા, વન્ય જીવો, વન્ય સંપદા અને પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા હોવાથી યોગ્ય તપાસ સમિતિ નિમી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની જાગૃત નાગરિકે જિલ્લા કલેક્ટર, ભૂસ્તરશાસ્ત્રી, આરટીઓ, પોલીસ અધિક્ષક અને પશ્ચિમ કચ્છ વનતંત્રને ફરિયાદ કરી છે.
આ ફરિયાદમાં આરોપ કરાયા છે કે, ભ્રષ્ટાચારીઓ દ્વારા ખનિજ ચોરોને જાણ કરી દરોડો પાડવામાં આવે છે. તો ખનિજ ચોરી કરનારા દ્વારા વોટસએપ ગુ્રપ બનાવી જે તે વિસ્તારમાં ક્યા અધિકારીની ગાડી આવે છે તેની માહિતીની આપલે કરાય છે. જેથી દરોડા દરમિયાન સબસલામત કામગીરી દેખાડી શકાય. ખાણ ખનિજ, પોલીસ અને આરટીઓ અધિકારીઓ દ્વારા દરોડાના નામે ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો હોવાનું લેખિતમાં ફરિયાદીએ જણાવ્યું છે. મોટા પૈયાના કાસમ સમાએ જણાવ્યું હતું કે, પોલીસ અધિક્ષક દ્વારા ખનીજ માફીયા સાથે સંકડાયેલા અધિકારી/કર્મચારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવે અને સાયબર ક્રાઈમ પોલીસની મદદથી ખનીજ ચોરો દ્વારા બનાવાયેલા વોટસએપ ગુ્રપોની તપાસ કરી તેમાં સામેલ ખનીજ માફીયા, વચેટીયા અને ભ્રષ્ટ અધિકારીઓ-કર્મચારીઓની તપાસ કરી તેમની સામે કાર્યવાહી કરાય તેમજ સર્વે નં. ૩૮૬ પૈકીની તમામ લીઝ તથા આજુબાજુના વિસ્તારની લીઝ તથા પરમીટ ધારકો દ્વારા લીઝના નિયમના ઉલ્લંઘન તથા લીઝ બહારની જગ્યાઓમાં કરેલી ખનીજચોરીની ફરીયાદમાં સર્વેયર અને રોયલ્ટી ઈન્સપેક્ટર દ્વારા મીલી ભગત કરી ખનીજ ચોરોને બચાવી લેવાય છે.
ખનીજ ચોરીની ફરિયાદ નામ જોગ કરવા છતાં ભ્રષ્ટ અધિકારીઓ નીલ કાર્યવાહી કરી અજાણ્યા શખ્સો દ્વારા ખનીજ ચોરી જેવા શબ્દોથી ખનીજ માફીયાઓને છાવરી લે છે. ખાવડા વિસ્તારમાં એશીયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ બનતો હોઈ અને એ વિસ્તાર સામાન્ય માણસો માટે પ્રતિબંધિત હોઈ ત્યાં ચાલતા કન્સટ્રકશનમાં પથ્થર, રેતી, માટી, કપચી સહિતના ખનીજની ખૂબ મોટી માત્રામાં જરૂરીયાત હોઈ ખાવડા આસપાસના વિસ્તારમાં બેફામ ખનીજ ચોરીઓ થઈ રહી છે. જેથી આર.ટી.ઓ. કચેરી દ્વારા ખાવડા ખાતે ચેકપોસ્ટ બનાવવામાં આવે અને ખનીજ તેમજ ખાવડા પાસેથી નીકળતી ઓવરલોડ ટ્રકો-ટ્રેઈલરોની ચેકીંગ કરવામાં આવે જેથી અકસ્માતો અને ટ્રાફીકની સમસ્યા હલ થઈ શકે છે. અગાઉ ખનીજ ચોરીમાં પકડાયેલા શખ્સોને ફરી વખત લીઝ/પરમીટ ઈસ્યુ કરવામાં આવી હોવા સહિતના તમામ મુદ્દે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા અરજદારે ફરિયાદ કરી છે.