દેશમાં મોંઘવારી ધીમા ધોરણે ઘટી રહી છે, તેમજ અમેરિકામાં પણ આર્થિક સ્થિતિ થાળે પડતાં ફેડ રિઝર્વ દ્વારા પોલિસી રેટમાં ઘટાડો કરવાના સંકેતો મળ્યા છે. આવી સ્થિતિમાં આરબીઆઈ પણ ખાસ કરીને લોનધારકોને મોટી ભેટ આપતાં આગામી એમપીસી બેઠકમાં વ્યાજના દરો ઘટાડી શકે છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ના અર્થશાસ્ત્રીઓએ આ અંગે અપેક્ષા વ્યક્ત કરી છે.એસબીઆઈ ઈકોરેપ રિપોર્ટમાં અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે કે, મોંઘવારીમાં રાહત સંકેત આપે છે કે, આગામી મોનેટરી પોલિસી બેઠકમાં રેપો રેટમાં ઘટાડો કરવામાં આવશે. હાલ દેશભરમાં સાર્વત્રિક સારો વરસાદ નોંધાયો છે. જે અર્થતંત્ર માટે સકારાત્મક છે. રિટેલ મોંઘવારી જુલાઈમાં ઘટી 3.54 ટકા નોંધઆઈ છે. જે 59 મહિનાના તળિયે છે. જૂનમાં રિટેલ ફુગાવો 5.08 ટકા હતો.
સતત નવમી વખત રેપો રેટ યથાવત :
આરબીઆઈએ મોંઘવારી અને વૈશ્વિક પરિબળોને ધ્યાનમાં લેતાં સતત નવ વખત રેપો રેટ જાળવી રાખ્યો છે. જે હાલ 6.5 ટકા છે. અગાઉ દેશમાં મોંઘવારી 7 ટકાથી વધી હતી. જેને અંકુશમાં લેવા આરબીઆઈ સતત રેપો રેટમાં વધારો કર્યો હતો. મે-22થી ફેબ્રુઆરી-23 સુધી તેમાં 2.5 ટકાનો વધારો કર્યો હતો.જુલાઈમાં જથ્થાબંધ ફુગાવો 3 માસના તળિયે 2.04 ટકા નોંધાયો છે. જે આરબીઆના લક્ષિત દર 2-4 ટકા હેઠળ છે. આ સકારાત્મક સંકેતોને ધ્યાનમાં લેતાં ઓક્ટોબરમાં યોજાનારી એમપીસી બેઠકમાં આરબીઆઈ વ્યાજના દરો ઘટાડશે.એસબીઆઈની ઈકોરેપ રિપોર્ટ અનુસાર, મોંઘવારીમાં ઘટાડાની સાથે જીડીપી ગ્રોથની ગતિ પણ મંદ પડી છે. નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથની ગતિ શુષ્ક રહી છે. જૂન ત્રિમાસિકમાં દેશનો રિઅલ જીડીપી ગ્રોથ 7.0-7.1 ટકા રહી શકે છે. જ્યારે ગ્રોસ વેલ્યૂ એડેડ ગ્રોથ 7 ટકાથી ઘટી 6.7-6.8 ટકાની એવરેજમાં રહેશે. ગ્રોથમાં ઘટાડો થવા પાછળનું કારણ મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓમાં ઘટાડો છે.