અમદાવાદ : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દરરોજ 270 જેટલી ફ્લાઇટની અવરજવર રહેતી હોય છે. પરંતુ બુધવારના દિવસે સામાન્ય દિવસોની સરખામણીમાં ફ્લાઇટનું ઓપરેશન ઓછી માત્રામાં હોય છે તેમ છતાં ગઈકાલે બુધવારના દિવસે અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરતી 64 ફ્લાઇટ મોડી પડી હતી. જેમાં છેલ્લા એક સપ્તાહની જેમ ગઈકાલે પણ એરલાઇન્સની વિવિધ સેક્ટરમાં જતી ફ્લાઇટ સૌથી વધુ મોડી પડી હતી. એરપોર્ટ પરથી દરરોજ સાંજે 4:35 વાગ્યે સ્પાઇસ જેટ એરલાઇન્સની ફ્લાઇટ દુબઈ જવા રવાના થાય છે. જે છેલ્લા એક સપ્તાહથી દરરોજ મોડી પડી રહી છે. જ્યારે ગઈકાલે પણ આ પરિસ્થિતિ ઉભી થઈ હતી. ફ્લાઇટ મોડી પડીને આખરે સાંજે 6.50 વાગ્યે 180 મુસાફરો સાથે ટેક ઓફ થઈ હતી. પરંતુ 40 મિનિટ આકાશમાં ચક્કર લગાવીને સાંજે 7:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ઉપર જ લેન્ડ થઈ હતી. હવે સ્પાઇસ જેટ એરલાઇન્સના મુસાફરો અગાઉથી મોડા પડવાના હોવાનું વિચારીને ટિકિટ બૂક કરે છે. કારણ કે, સ્પાઇસ જેટની આ પરિસ્થિતિ દરરોજની થઈ ગઈ છે. વિવિધ સેક્ટરમાં જતી ફ્લાઇટ ઓછામાં ઓછા અડધાથી એક કલાક જેટલી તો મોડી પડી રહી છે. જેને કારણે મુસાફરો પણ હવે સ્પાઇસ જેટ એરલાઇન્સને બદલે અન્ય એરલાઇન્સની પસંદગી કરી રહ્યા છે. ગઇકાલે 4.35 વાગ્યાની દુબઈ જતી ફ્લાઈટમાં લગભગ 180 જેટલા મુસાફરો દુબઈ જવાના હતા. જેમને વારંવાર એરલાઇન્સના ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા ફ્લાઇટ મોડી પડશે તેવી સૂચના આપવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ ફ્લાઈટને ટેકઓફ કરવામાં આવી હતી અને 40 મિનિટ બાદ ફરીથી અમદાવાદ એરપોર્ટ ઉપર જ લેન્ડ કરવામાં આવી હતી અને કારણ જણાવતા એરલાઇન્સ દ્વારા એરક્રાફ્ટમાં ટેકનિકલ ક્ષતિ છે તેના કારણે ફ્લાઇટને અમદાવાદ એરપોર્ટ ઉપર જ પરત લેન્ડ કરવી પડી હતી તેમ જણાવવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે સ્પાઇસ જેટ એરલાઇન્સ પાસે ખૂબ જ ઓછા એરક્રાફ્ટ છે. જેને કારણે તમામ સેક્ટરની ફ્લાઇટ મોડી પડે છે. તેવામાં આ પ્રકારે કોઈ ટેકનિકલ ક્ષતિ સર્જાય તો મુસાફરોને પરેશાન થવાનો વારો આવે છે. ગઈકાલે ફક્ત સ્પાઇસ જેટ જ નહીં પરંતુ વિવિધ એરલાઇન્સની દેશ અને દુનિયાના વિવિધ શહેરોમાં જતી ફ્લાઇટ મોડી પડી હતી. જેમાં ઇન્ડિગો એરલાઇન્સની અમદાવાદથી ડોમેસ્ટિક સેક્ટરમાં જતી વિવિધ ફ્લાઇટ એક કલાકથી લઈને ત્રણ કલાક જેટલા સમય માટે મોડી પડી હતી. જેમાં ચેન્નાઈ, લખનઉ, જયપુર, જોધપુર, બેંગ્લોર, વારાણસી, પુણે અને મુંબઈ જતી ફ્લાઇટ બે કલાક કરતાં પણ વધુ સમય માટે મોડી પડી હતી. ઉપરાંત અકાસા એરલાઇન્સની પુણે જતી ફ્લાઇટ પણ દોઢ કલાક મોડી પડી હતી.
આજે પણ સ્પાઇલ જેટ એરલાઇન્સના મુસાફરોને હાલાકી ભોગવવી પડશે :
આજે એટલે કે 22 ઓગસ્ટના દિવસે પણ સ્પાઇસ જેટ એરલાઇન્સના મુસાફરોને હાલાકી વેઠવી જ પડશે. કારણ કે, સ્પાઇસ જેટ એરલાઇન્સની અમદાવાદથી દુબઈ જતી બે ફ્લાઇટ અને દિલ્હી જતી એક ફ્લાઇટ તેના નિશ્ચિત સમય કરતા મોડી પડશે. સવારે 9.55 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરીને દુબઈ જતી સ્પાઇસ જેટ એરલાઇન્સની ફ્લાઇટ છ કલાક જેટલા સમય માટે મોડી થઈને બપોરે 3:40 વાગ્યા સુધી મોડી પડી શકે છે. કદાચ તેનાથી પણ મોડી આ ફ્લાઇટ થઈ શકે છે. જો કોઇ ફ્લાઇટ 9.55 વાગ્યાની હોય અને તેમાં પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય તો મુસાફરોને ઓછામાં ઓછા બે કલાક પહેલા એરપોર્ટ પહોંચવું પડતું હોય છે. ત્યારે એરલાઇન્સ દ્વારા મુસાફરોને ફ્લાઇટ મોડી થવાની છે તેવી અગાઉથી જ જાણ કરી દેવામાં આવે છે તેમ છતાં કેટલાક મુસાફરો એરપોર્ટ પહોંચતા તેમને આઠથી નવ કલાક એરપોર્ટ પર જ રોકાવું પડશે.ઉપરાંત એરલાઇન્સની અમદાવાદથી દુબઈ જતી અન્ય એક સાંજે 4:35 વાગ્યાની ફ્લાઇટ પણ 1 અથવા 2 કલાક કરતાં વધુ સમય માટે મોડી થઈને લગભગ 5 વાગ્યે ટેક ઓફ થવાની શક્યતા છે. પરંતુ હાલમાં ચોક્કસપણે કહી શકાય નહીં કે, આ ફ્લાઇટ 5 વાગ્યે ટેક ઓફ થઈ જ જશે. ઉપરાંત બપોરે 12:20 વાગ્યે અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટ પણ ત્રણ કલાક કરતાં વધુ સમય માટે મોડી થઈને બપોરે 3:10 વાગ્યે ટેક ઓફ થવાની શક્યતા છે. મહત્વનું છે કે, પૂરતા નાણાં ન હોવાથી ઓપરેશનમાં વિક્ષેપ થઈ રહ્યો છે. ઉપરાંત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોતાના કર્મચારીઓને બે મહિના કરતાં પણ વધુ સમય માટેનો પગાર પણ ચૂકવવામાં આવ્યો નથી. સતત ફ્લાઇટ મોડી થવાને કારણે એરલાઇન્સના મુસાફરોમાં પણ ધરખમ ઘટાડો આવ્યો છે. જેથી એરલાઇન્સ સતત ખોટમાં ચાલી રહી હોય શકે છે.