ડૉક્ટર, અમારા આખા ઘરનાં બધાં લોકોનું બ્લડ પ્રેશર હાઇ થઇ ગયું છે. આજકાલના આ છોકરાઓને શું થઇ જાય છે તે ખરેખર ખબર નથી પડતી. અમને એ સમજ નથી પડતી કે 16 વર્ષની નાની ઉંમરની અમારી સજની પોતાનો જીવ લેવાનો પ્રયત્ન કેવી રીતે કરી શકે!’ શૂચિબહેનનો સવાલ હચમચાવી નાખે તેવો હતો. ‘એટલે થયું છે શું?’ મેં પૂછ્યું. ‘સજનીએ અમારા ફેમિલી વોટ્સએપ ગ્રૂપ પર મેસેજ કર્યો કે, ‘નો બડી અન્ડરસ્ટેન્ડ્સ મી, ગુડ બાય.’ અમારા તો હાંજા જ ગગડી ગયા. એના રૂમમાં જોયું તો એ આવી કંઇક તૈયારી કરતી હતી. એનો પછાડેલો મોબાઇલ તૂટેલા સ્ક્રીન સાથે જમીન પર પડ્યો હતો અને ચીસો પાડી રહી હતી. અમે એને શાંત પાડીને તમારી પાસે લાવ્યાં છીએ.’ સજની સાથે મેં વાત કરવાનું શરૂ કર્યું. વાત એવી બની હતી કે, સજનીને સોશિયલ મીડિયાનું વળગણ થઇ ગયું હતું. ખાસ કરીને ઇન્સ્ટાગ્રામમાં તે રોજની 20થી 25 પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર મૂકતી અને એને એવી સતત અપેક્ષા રહેતી કે એના ફોલોઅર્સ વધ્યા જ કરે. અને ઢગલાબંધ લાઇક્સ વગર તો ચાલે જ નહીં. છેલ્લા એક મહિનાથી એક અજાણ્યા છોકરાના ઓનલાઇન સંપર્કમાં આવી. પછી તો પર્સનલ મેસેજિંગ થવા લાગ્યા. સજની એ છોકરા પર ઇમોશનલી ડિપેન્ડન્ટ થવા લાગી. ધીરે ધીરે એક સમય એવો આવ્યો કે સજનીએ એ છોકરાને પર્સનલી મળવાનું કહ્યું. બસ, એ ક્ષણ પછી પેલો છોકરો મિ. ઈન્ડિયાની જેમ ગાયબ થઇ ગયો. જે છોકરો સતત સંપર્કમાં રહેતો તે અચાનક ગુમ થઇ ગયો એટલે સજની ભયંકર ડિસ્ટર્બ્ડ રહેવા લાગી. એની ફ્રેન્ડ્ઝ સાથે પણ એણે આ વાત શેર કરી. એમાંથી એને એવું રહસ્ય ખબર પડી કે આ તો એના ગ્રૂપની એક ઈર્ષ્યાળુ ફ્રેન્ડે મોટો પ્રેન્ક કર્યો હતો. મતલબ એ મિત્ર જાણીતી છોકરી જ હતી, પણ સજનીને ફેક એકાઉન્ટથી હેરાન કરવા માંગતી હતી. એ જાણીતી બહેનપણીની આવી ખતરનાક મજાકથી સજની સાચેસાચ ડિપ્રેશનમાં સરી પડી અને આવું આપઘાતનું પગલું લેવા સુધી પહોંચી ગઇ. હમણાં હમણાંથી પોતાને અનુકૂળ પ્રતિક્રિયા ન મળે કે ટ્રોલિંગ થાય તો મોટી સંખ્યામાં યુવાનો અને યુવતીઓ માનસિક વિકૃતિઓનો શિકાર બનવા લાગ્યાં છે. હંમેશાં કંઇક નવું પોસ્ટ કરવાનું દબાણ અનુભવતા યૂઝર્સ ક્યારે ડિપ્રેશન કે એન્ગ્ઝાયટી તરફ ધકેલાઇ જાય છે તે ખ્યાલ પણ નથી રહેતો. હજુ હમણાં જ વોલ સ્ટ્રીટ જર્નલે સમાચાર આપ્યા હતા કે, ફેસબુકને ખબર છે કે ઇન્સ્ટાગ્રામ ટીનએજર્સ અને યુવાઓમાં માનસિક વિકૃતિ પ્રેરે છે. ફેસબુકના એક અભ્યાસ મુજબ 13 ટકા બ્રિટિશ યૂઝર્સ અને 6 ટકા અમેરિકન યૂઝર્સમાં ફક્ત ઇન્સ્ટાગ્રામને કારણે આત્મહત્યાની લાગણીઓ જોવા મળે છે. સજનીને તાત્કાલિક સઘન સાઈકોથેરેપીની જરૂર હતી. એને રેગ્યુલર સેશન્સ આપવામાં આવ્યા. સ્ક્રીન ડી-એડિક્શન સાથે ઇમોશનલ હેલ્થને મજબૂત કરવામાં આવી. સજની વાસ્તવિક અને આભાસી દુનિયાનો ફરક સમજી. એનું અચેતન માનસમાં ધરબાયેલું એકાંકીપણું અને લઘુતાગ્રંથિની ભાવના મનોચિકિત્સા દ્વારા દૂર કરવામાં આવી. એનો આત્મવિશ્વાસ વધ્યો. દરેક કિસ્સાની જેમ અહીં પણ માતા-પિતાનું કાઉન્સેલિંગ થયું. લાગણીનો ખાલીપો એક ટીનએજરને કઇ હદ સુધી લઇ જઇ શકે તે બંને પેરેન્ટ્સ સમજ્યાં. બંનેએ સંતાન સાથે મૈત્રીપૂર્ણ સંવાદ વધારવો જરૂરી હતો. હવે સજની ઇન્સ્ટાગ્રામ તો વાપરે છે, પણ ઇન્સ્ટાગ્રામ એને નથી વાપરતું. વિનિંગ સ્ટ્રોક : અજાણ્યા લોકોની લાઇક્સની લ્હાયમાં જાણીતાથી દૂર ન થવાય.