અમદાવાદ : પથરીની સમસ્યા ધરાવતા દર્દીઓ માટે વાઢકાપ-કોઇપણ પ્રકારના દુઃખાવા વિનાની લિથોટ્રિપ્સી આશીર્વાદ સમાન પુરવાર થઇ રહી છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં માત્ર બે દિવસમાં 10 દર્દીઓની લિથોટ્રિપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ છે. પથરીની સમસ્યા ધરાવતા દર્દીઓમાં છેલ્લા કેટલાક વર્ષથી વધારો જોવા મળી રહ્યો છે. પથરીની સારવાર માટે સિવિલમાં હવે લિથોટ્રિપ્સી શરૂ કરવામાં આવી છે. અગાઉ દર્દીઓને લિથોટ્રિપ્સી માટે ખાનગી હોસ્પિટલમાં જ જવું પડતું અને જેના કારણે તેમનો રૂપિયા 10 હજારથી રૂપિયા 15 હજારનો ખર્ચ થઇ જતો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું કે, ‘સિવિલ હોસ્પિટલ ખાતે કરોડો રૂપિયાનાં ખર્ચે કાર્પોરેટ કક્ષાની સુવિધા ઉભી કરવામાં આવી છે. જે સિવિલ હોસ્પિટલ ખાતે આવતા પથરીના દર્દીઓની સારવાર માટે ચોક્કસપણે ખુબ જ ઉપયોગી સાબિત થશે.સિવિલ હોસ્પિટલ યુરોલોજી વિભાગના વડા ડો. શ્રેણિક શાહે જણાવ્યું કે, ‘લિથોટ્રિપ્સી સારવાર એ કિડની-મૂત્રમાર્ગમાં રહેલી પથરીને તોડવા માટે સુરક્ષિત-અસરકારક-દર્દી માટે અનુકૂળ પદ્ધતિ છે. બે દિવસ માં ત્રણ વર્ષ થી લઈ 89 વર્ષ સુધીનાં દસ દર્દીને કિડની અને પેશાબના માર્ગ માં રહેલ 1.5 સે.મી થી 2 સે. મી સાઈઝની પથરીને લિથોટ્રિપ્સીની મદદથી સફળતાપૂર્વક સારવાર કરી છે. અન્ય 40 જેટલા પથરીના દર્દીઓ વેઇટીગમાં છે જેમને જલદી આ પદ્ધતિથી સારવાર કરી દર્દમુકત કરવામાં આવશે. લિથોટ્રિપ્સી એ બિન-સર્જિકલ પ્રક્રિયા છે જે કિડનીની પથરીને નાના ટુકડાઓમાં તોડવા માટે ફોકસ્ડ ઘ્વનિ તરંગો અથવા આઘાત તરંગોનો ઉપયોગ કરે છે, જે તેમને પેશાબની નળીઓમાં સરળતાથી પસાર થવા દે છે. લિથોટ્રિપ્સી સામાન્ય રીતે કિડનીની પથરીની સારવાર માટે ઉપયોગમાં લેવાય છે, જે કુદરતી રીતે પસાર થવા માટે ખૂબ મોટી હોય છે અથવા નોંધપાત્ર પીડા અને અવરોધ પેદા કરે છે.