બેટરી ઉતરી જશે તો રાણીપ ર્ચાજિંગ બસ સ્ટેશને રોબોટ દ્વારા નવી બેટરી મુકાશે ઃ શરૂમાં ૫૦ ઇલેક્ટ્રિક બસ હશે
અમદાવાદ, તા.૨૯
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ જનમાર્ગ લિ. દ્વારા ગ્રીન અને ક્લિન જાહેર પરિવહન પૂરૂં પાડવાના પ્રયાસરૂપે નવી આઠ ઈલેકટ્રીક બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો, અમિત શાહે રાણીપમાં બનેલા ઓટોમેટિક બેટરી સ્વેપ સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યુ હતું. લોકાર્પણ થતાં હવે શહેરમાં ૧૮ ઈલેક્ટ્રિક બસો દોડાવાશે. જ્યારે આગામી બે મહિનામાં બાકીની ૩૨ બસો આવશે. આમ, પ્રારંભિક તબક્કે શહેરમાં ૫૦ ઇલેકટ્રીકટ બસો દોડાવાશે. બાદમાં મેયર શ્રીમતી બીજલબહેન પટેલ અને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ઇલેકટ્રીક બસમાં મુસાફરી કરી પર્યાવરણ જાળવણીનો અનોખો સંદેશો આપ્યો હતો. કેન્દ્ર અને ગુજરાત સરકાર મળેલા નિર્દેશ મુજબ, કુલ ૫૦ ઇલેકટ્રીક બસોને ગ્રોસ કોસ્ટ મોડલ પર લેવામાં આવશે. આ તમામ બસો ૫૦ મુસાફરોની ક્ષમતાવાળી એસી બસો છે.
આ બસોને કારણે વાયુ અને ધ્વનિ પ્રદૂષણ ફેલાતું પણ અટકશે. આ બસોમાં સુરક્ષા માટે ઓટોમેટિક ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેશન સિસ્ટમ પણ લાગેલી હશે. જેથી બેટરીમાં આગ લાગવાના કારણે થતી દુર્ઘટના અટકાવી શકાશ તેમજ ઓટોમેટિક ડોર સેન્સરને કારણે બસના દરવાજા ખુલ્લા હોવાની સ્થિતિમાં બસ ચાલી શકશે નહીં. આ ૫૦ બસો પૈકી ૧૮ બસોમાં બેટરી સ્વેપ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ભારતભરમાં પ્રથમવાર અમલમાં આવી છે. સ્વેપ ટેકનોલોજી ધરાવતી બસમાં એકવાર સ્વેપ કરવાથી ૪૦ કિલોમીટર જેટલી મુસાફરી કરી શકાય છે. વધુમાં અન્ય ૩૨ બસોમાં ફાસ્ટ ચા‹જગ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવશે. જેમાં પ્રતિ ચાર્જ દીઠ ૨૦૦ કિલો મીટરની મુસાફરી કરી શકાશે. તો, આ ઇલેક્ટ્રીક બસોમાં આગળ અને પાછળની સાઇડે સીસીટીવી કેમેરા પણ લાગેલા હશે, જે દરેક હરકત પર નજર રાખી શકશે. ઈ-બસના ચા‹જગ માટે ફાસ્ટ ચા‹જગ અને સ્વેપ ચા‹જગ એમ બે પદ્ધતિ વિશ્વમાં પ્રચલિત છે.
ભારતમાં પ્રથમવાર ઉપયોગમાં આવનારી સ્વેપ ટેક્નોલોજીથી તંત્ર દ્વારા બીઆરટીએસ કોરિડોરમાં દોડનારી તમામ ઈલેકટ્રીક બસની રોબોટ દ્વારા બેટરી બદલવામાં આવશે. જ્યારે પણ કોઇ બસની બેટરી ૨૦ ટકાનું માપ બતાવે ત્યારે તે ઈલેક્ટ્રિક બસ રાણીપના ર્ચાજિંગ બસ સ્ટેશને પહોંચી ડિસ્ચાર્જ થયેલી બેટરીને રોબોટ દ્વારા બદલી નવી બેટરી ફિટ કરી દેવાશે. ત્યારબાદ આ રોબોટ ડિસ્ચાર્જ થયેલી બેટરીને ઓટોમેટિકલી ચા‹જગમાં મૂકી દેશે.