ગીરમાં એક બાદ એક કુલ 23 સિંહોના મોત થતા રાજ્ય સરકાર અને વનવિભાગ દોડતા થયા છે. આ ઘટના મામલે સમગ્ર દેશમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. આ મુદ્દે વિપક્ષ પણ સરકાર પર અનેક આરોપો મુકી રહ્યો છે. આજે કોંગ્રેસના ખજાનચી અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને ટાઇગર પ્રોજેક્ટની જેમ લાયન પ્રોજક્ટ માટે એક હજાર કરોડ ફાળવવાની માંગ કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, જેમ દેશમાં ટાઇગર પ્રોજક્ટ અમલમાં છે એ રીતે જ કેન્દ્ર સરકાર દ્વારા સિંહોના સરંક્ષણ માટે લાયન પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવે અને 1000 કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવે.
સિંહોના સરંક્ષણને સૌથી વધારે પ્રાથમિકતા આપો
અહેમદ પટેલે પીએમ મોદીને લખેલા પત્ર મુજબ, તમે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં, ત્યારે તમે પણ લાયન પ્રોજેકટની વાત કરી હતી. સિંહોના સરંક્ષણને પણ લાયન પ્રોજેક્ટ જેટલું જ મહત્વ આપવું જોઇએ. સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતમાં જ એશિયાટિક સિંહો હોવા એ ગુજરાત માટે એ ગૌરવની વાત છે કે,. એક સમયે સિંહોના સરંક્ષણ માટે સફળતાની ગાથા ગણાતા સિંહો અત્યારે રાજ્યની દુર્લક્ષતાનો ભોગ બન્યાં છે. આથી, હું તમને વિનંતી કરું છું કે, સિંહોના સરંક્ષણને સૌથી વધારે પ્રાથમિકતા આપો.
ગેરકાયદેસર રિસોર્ટ-હોટેલોને બંધ કરી દેવા જોઇએ
તેમણે આગળ લખ્યું કે, ગીર અભ્યારણ્યની આસપાસ જે ઇકો સેન્સિટીવ ઝોન નાનો કરવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે તે યોગ્ય નથી. ગીર અભ્યારણ્યની આસપાસ ઇકો સેન્સિટીવ ઝોન 10 કિલોમીટર હોવું જોઇએ. સરકારે વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન અને ટુરિઝમ વચ્ચે બેલેન્સ રાખવું પડશે. ગીરની આસપાસ મોટા પ્રમાણમાં રિસોર્ટ ખુલી રહ્યા છે. તેના પર પણ કોઇ નિયંત્રણ નથી. સિંહો માટે આ બધી જ પ્રવૃતિઓ સૌથી મોટું જોખમ છે. સરકારે આ તમામ ગેરકાયદેસર રિસોર્ટ-હોટેલોને બંધ કરી દેવા જોઇએ