-માનવ સ્પેસ મિશન માટે 10 હજાર કરોડનો ખર્ચ, US-રશિયા બાદ ભારત ચોથો દેશ બનશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેબિનેટે ઇસરોના મિશન ગગનયાન માટે રૂ. ૧૦,૦૦૦ કરોડ મંજૂર કર્યા છે. આ મિશન હેઠળ ભારતના ત્રણ ભારતીયો અંતરિક્ષમાં સાત દિવસ રહેશે.
કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કેબિનેટની બેઠક બાદ જણાવ્યું હતું કે આ યોજનાને મંજૂરી મળ્યા બાદ આગામી ૪૦ મહિનાની અંદર લોન્ચ કરી દેવાશે. આજ દુનિયામાં અંતરિક્ષ જગતમાં ભારતની પકડ મજબૂત બની રહી છે. દુનિયાના અન્ય દેશો પણ સેટેલાઇટ લોન્ચિંગ માટે ઇસરોની મદદ લઇ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે ગગનયાનનું એલાન કર્યું હતું. આ મિશન ૨૦૨૨ સુધી પૂર્ણ થવાની આશા છે.
ઇસરોના વડા કે સિવાને કહ્યું છે કે અંતરિક્ષવાસીઓને અંતરિક્ષમાં મોકલવા માટેનું માળખું વિકસાવી લેવાયું છે આ દિશામાં માનવ ક્રૂ મોડ્યુલ અને પર્યાવરણ નિયંત્રણ તેમજ જીવ બચાવવાની પદ્ધતિ જેવા માળખા પણ વિકસિત કરાયા છે.
સિવાને કહ્યું કે ૨૦૨૨માં ગગનયાનને રવાના કરવાના ઇસરો જિયોસિંક્રોનસ સેટેલાઇટ લોંચ વિકલ માર્ક-ત્રણ (જીએસએલવી માર્ક-૩)નો ઉપયોગ કરીને માનવરહિત બે મિશન અને યાન મોકલશે. ભારત આ સિદ્ધિ હાંસલ કરનાર ચોથો દેશ બનશે. વાયુ સેનાના પૂર્વ પાયલોટ રાકેશ શર્મા અંતરિક્ષમાં જનાર પ્રથમ ભારતીય હતા.
ટેક- ઓફ્ફ પછી ૧૬ મિનિટમાં ક્રાફ્ટ ભ્રમણકક્ષામાં પહોંચી જશે:- આ માટેનું સ્પેસ ક્રાફ્ટ પૃથ્વીની નીચલી ભ્રમણ કક્ષામાં ૩૦૦-૪૦૦ કિમીના અંતરે મૂકાશે. ટેક- ઓફ્ફ પછી સ્પેસક્રાફ્ટ GSLV-Mk III ૧૬ મિનિટની અંદર તેની ભ્રમણ કક્ષામાં પહોંચી જશે. સ્પેસક્રાફ્ટની ક્રુ જ્યારે પૃથ્વી પર પાછી ફરશે ત્યારે બંગાળના અખાતમાં ગુજરાતના સાગરકાંઠે અરેબિયન સમુદ્રમાં લેન્ડ થઈ શકે છે.
જિયોસિંક્રોનોસ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ- માર્ક III (GSLV-Mk III) ભારત દ્વારા બનાવાયેલું સૌથી ભારેખમ રોકેટ વ્હીકલ છે અને તે મોટા પે લોડ માટે તૈયાર કરવામાં આવ્યું છે. ઈસરો ભારતીય વાયુ સેના સાથે મળીને ત્રણ સભ્યોની ક્રુની પસંદગી કરશે. ઈસરોએ GSLV-Mk III ઓલરેડી તૈયાર કરી દીધું છે.
ઈસરોએ આ ઉપરાંત ક્રુ એસ્કેપ સિસ્ટમ પણ તૈયાર કરી છે જે હ્યુમન સ્પેસ ફ્લઆઈટ માટે જરૂરી ટેક્નોલોજી છે. લાઈફ સપોર્ટ સિસ્ટમ અને સ્પેસ સૂટ પણ તૈયાર છે અને તેના ટેસ્ટ પણ કરી દેવામાં આવેલાં છે. વધારામાં, ભ્રમણકક્ષાની અને રિ-એન્ટ્રી મિશન તેમજ રિકવરી ઓપરેશન સ્પેસ કેપ્સ્યુલ રિ-એન્ટ્રી એક્સપેરિમેન્ટ મિશનમાં તૈયાર કરી દેવામાં આવ્યાં છે. ઈસરોએ તમામ બેઝલાઈન ટેક્નોલોજી તૈયાર કરી છે જે હ્યુમન સ્પેસફલાઈટ મિશન માટે અનિવાર્ય છે.
એજન્સી, નવી દિલ્હી: