એક બાજુ પેટ્રોલ-ડીઝલના ભાવ આકાશે આંબી રહ્યા છે ત્યારે બીજી બાજુ વાહનોના કારણે પ્રદૂષણનું સ્તર પણ ઝડપથી વધી રહ્યું છે. બંને સમસ્યાઓનું સમાધાન હવે ઈ-વાહનોમાં જોવા મળી રહ્યું છે. પબ્લિક અને પર્સનલ ટ્રાન્સપોર્ટમાં ઈ-વાહનોની ભાગીદારી વધારવા માટે સરકાર જેટલી ઝડપથી દાવા અને યોજનાઓ બનાવી રહી છે તેટલી ઝડપથી તે અમલમાં આવતું દેખાતું નથી. ઈ-વાહનો માટે ચાર્જિંગ સ્ટેશનનું મોટું નેટવર્ક સૌથી પહેલી જરૂરિયાત છે. અત્યારે એવી સ્થિતિ છે કે દેશમાં પેટ્રોલ પંપની સંખ્યા 60 હજાર કરતા વધુ છે પરંતુ ઈ-ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા માત્ર 350 જ છે.
સરકારની યોજના આગામી ત્રણથી પાંચ વર્ષમાં ચાર્જિંગ સ્ટેશનોનું નેટવર્ક તૈયાર કરવાનું છે. તે અંતર્ગત 30 હજાર સ્લો ચાર્જિંગ સ્ટેશન અને 15 હજાર ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું છે. શહેરમાં દર ત્રણ કિલોમીટરે બે હાઈ ચાર્જિંગ પોઈન્ટ અને એક ફાસ્ટ ચાર્જિંગ પોઈન્ટ લગાવવામાં આવશે. હાઈવે પર 50 કિલોમીટરે એક ચાર્જિંગ પોઈન્ટ લગાવવાનું આયોજન છે. આ સ્ટેશન પબ્લિક અને પ્રાઈવેટ પાર્ટનરશિપ સિવાય ખાનગી કંપનીઓ દ્વારા પણ આ પોઈન્ટ લગાવવામાં આવશે. માત્ર દિલ્હી જેટલા મોટા શહેર માટે 3000 ચાર્જિંગ સ્ટેશનોની જરૂર પડશે.
જોકે ઈલેક્ટ્રીક વાહનો માટે સરકારે અને કંપનીઓએ લાંબા સમયથી કોઈ ખાસ પગલાં લીધા નથી. આ જ કારણથી ભારતીય ગ્રાહકોમાં હજી ઈલેક્ટ્રિક વાહનોનો વપરાશ શરૂ થયો નથી. ઓછી ડ્રાઈવિંગ રેન્જ, વધારે કિંમત અને પબ્લિક ચાર્જિંગ સ્ટેશનના કારણે પણ આ વાહનો ઓછા લોકપ્રિય છે.
ઈવી પોલીસી વિશે કોઈ સ્પષ્ટીકરણ નથી: હીરો ઈલેક્ટ્રિક
હીરો ઈલેક્ટ્રિકના સીઈઓ સોહિંદર ગિલનું કહેવું છે કે, કુલ વાહનોમાં 30 ટકા ઈલેક્ટ્રિક
વાહનોનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ઈન્ડસ્ટ્રીઝ અને ટેક્નોલોજી બંને સક્ષમ છે. જોકે તે માટે સરકાર એક મજબૂત ઈવી પોલિસી લાગુ કરવાની જરૂર છે. હજી સરકાર તરફથી આ વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પેટ્રોલ-ડીઝલના વાહનો માટે આપણી પાસે છેલ્લા 15 વર્ષથી પોલિસી બનાવવામાં આવી છે. તેમાં ઈન્ડસ્ટ્રીઝ અને સંજોગો પ્રમાણે ફેરફાર થઈ શકે છે. તેનાથી ઈન્ડસ્ટ્રીઝને ગાઈડન્સ મળે છે. તે ઉપરાંત ઈલેક્ટ્રિક વ્હિકલ મામલે લોંગ ટર્મ પોલિસી ઓછામાં ઓછી પાંચથી દસ વર્ષની હોવી જોઈએ. ત્યારે જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈન્ડસ્ટ્રીઝ બંને સંપૂર્ણ રીતે તૈયાર થઈ શકશે.
ગિલનું કહેવું છે કે, સબસિડી મામલે થોડા ફેરફાર કરવાની જરૂર છે.ફ્રન્ટ લોડિંગ ઈન્સેંટિવ આપવું પડશે. તેમાં લાંબા સમયમાં વધારે વાહનોની નાની-નાની સબસલિડી આપવાની જગ્યાએ ઓછા વાહનોને વધારે સબસિડી આપવી જોઈએ. તેનાથી રસ્તા પર ઈલેક્ટ્રોનિક વાહનોની સંખ્યા ઘણી ઝડપથી વધી શકશે. રસ્તાઓ પર વધારે ઈ-વાહનો જોઈને લોકોને પણ તેને ખરીદવાની પ્રેરણા મળશે. વેચાણ વધવાથી ઈલેક્ટ્રિક વાહન સેક્ટરમાં તેજી આવશે અને તેના ભાવ પણ નીચા આવશે.
આ ઈલેક્ટ્રિક વાહનોમાં પણ 92 ટકા હિસ્સો ઈ-બાઈક્સ, સ્કૂટર અને ઈ-સાઈકલનો છે. માત્ર 8 ટકા જ કાર છે. સામાન્ય રીતે તેને ઘર, ગેરેજ અથવા ઓફિસમાં લાગેલા સામાન્ય ચાર્જિંગ પોઈન્ટથી પણ ચાર્જ કરી શકાય છે. ઈ-કારની વાત કરીએ તો મહિન્દ્રા ઈ2ઓ જેવી કાર ફૂલ ચાર્જ થવામાં 10 યૂનિટ વીજળીનો ખર્ચ થાય છે અને તેમાં 5 કલાકનો સમય લાગે છે. ઈ-સ્કૂટર અને બાઈકને ચાર્જ થવામાં 1-3 યૂનિટનો ખર્ચ થાય છે.
ભારતમાં થનારા કુલ કાર્બનના ઉત્પાદનમાં વાહનોની ભાગીદારી 24 ટકા છે. આ સિવાય વાયુ પ્રદૂષણનો પણ સૌથી વધારે સ્ત્રોત છે. ફોર્થ લાયન ચેક્નોલોજીના સર્વેમાં લોકોએ કહ્યું છે કે, ઈલેક્ટ્રેકિ વાહનોમાં શિફ્ટ થવું પડશે. પરંતુ પબ્લિક પ્લેસ પર ચાર્જિંગની વધારે સુવિધા ન હોવાથી તેમાં ખૂબ ઘટાડો થઈ રહ્યો છે. આ સિવાય ઈ-વાહનોની ઓછી ડ્રાઈવિંગ રેન્જ પણ એક મોટો પડકાર છે.
વાહન ઈલેક્ટ્રિક પરંતુ અડધી વીજળી તો કોલસાવાળી
ઈ-વાહનોથી રસ્તા ઉપર પ્રદૂષણ તો ઘટશે પરંતુ તેને ચાર્જ કરવા માટે મોટાપાયે વીજળીની જરૂર પડશે. અત્યારે આપણી કુલ વીજળી ઉત્પાદન ક્ષમતા 3.44 લાખ મેગાવોટ છે. તેમાં 56 ટકા એટલે કે 1.96 લાખ મેગાવોટ વીજળીનું ઉત્પાદન કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટમાં થાય છે. ડીઆરડીઓના પૂર્વ પ્રમુખ અને નીતિ આયોદના સભ્ય વીકે સારસ્વત પ્રમાણે પર્યાવરણ પ્રમાણે ઈલેક્ટ્રિક વાહનોને સફળ બનાવવા માટે સોલાર અને હાઈડ્રો પ્રોજેક્ટ જેના રિન્યૂબલ એનર્જી સોર્સથી વીજળીનું ઉત્પાદન વધારવું પડશે. હાલ કુલ ઉત્પાદન ક્ષમતામાં હાઈડ્રો પાવરનો હિસ્સો 45 હજાર મેગાવોટ સાથે 13.2 ટકા અને સોલર, વિન્ડ, બાયોમાસ જેવા અન્ય સ્ત્રોતની ક્ષમતા 70 હજાર મેગાવોટ છે જે 20.5 ટકા હોય છે.
ભારત સિવાય દુનિયાના ઘણાં મોટા દેશોમાં ઓટો ઈન્ડસ્ટ્રીઝ ખૂબ ઝડપથી બદલાઈ રહી છે. લગભગ મોટા ભાગની કંપની ઈલેક્ટ્રિક કાર બનાવવાનું આયોજન કરી રહી છે. આગામી સાત વર્ષમાં માત્ર ભારતીય બજારમાં જ 350થી વધારે હેચબેક, સેડાન અને એસયુવી કાર લોન્ચ કરવામાં આવશે. ઓડી અને મર્સિડીઝ, બીએમડબ્લ્યુ જેવી ઘણી લક્ઝુરિયસ કાર પણ ઈ-કારની કેટેગરીમાં આવશે. આંતરરાષ્ટ્રીય શોધ સંગઠન આઈસીસીટીના રિપોર્ટ પ્રમાણએ 2025 સુધી ઈલેક્ટ્રિક કારની કિંમત પેટ્રોલ કાર કરતાં ઓછી થઈ જશે.