– વર્તમાન પેન્શનમાં કર્મચારીઓને છેલ્લા પગારના લગભગ 38% સુધી પેન્શન મળે છે
કેન્દ્ર સરકાર હાલની નેશનલ પેન્શન સ્કીમ (NPS)માં મોટા ફેરફારો કરવા પર વિચાર કરી રહી છે. આ હેઠળ લઘુત્તમ પેન્શન છેલ્લા પગારના 40-45% સુધી હોઈ શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે એપ્રિલ મહિનામાં જૂની પેન્શન યોજના (OPS)ની સમીક્ષા કરવા માટે નાણાં સચિવ ટીવી સોમનાથનની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી.
કેન્દ્રએ વર્ષ 2004થી OPS નાબૂદ કરીને NPS લાગુ કર્યું હતું. આ હેઠળ કર્મચારી તેના મૂળ પગારના 10% તો સરકાર પેન્શન ફંડમાં 14% યોગદાન આપે છે. NPSની રકમનું બજારમાં રોકાણ કરવામાં આવે છે અને તેના રિટર્નના આધાર પર પેન્શનની રકમ નિર્ભર કરે છે. બીજી તરફ OPS હેઠળ લઘુત્તમ પેન્શન છેલ્લા પગારના 50% છે.
હાલમાં 38% પેન્શન મળે છે
વર્તમાન પેન્શનમાં કર્મચારીઓને છેલ્લા પગારના લગભગ 38% સુધી પેન્શન મળે છે. જો સરકાર 40% પેન્શન સુનિશ્ચિત કરે તો તેના પર 2% રકમનો વધારાનો બોજ પડશે. જો કે, જો બજારમાં રોકાણ પરનું વળતર ઘટશે તો પેન્શનના કારણે સરકાર પર બોજ વધશે. નાણા મંત્રાલય એવો રસ્તો અપનાવવા માંગે છે જેના હેઠળ પેન્શનનો બોજ સરકાર પર ઓછામાં ઓછો પડે. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર જે પેન્શન સ્કીમ લાવશે તેને મોંઘવારી ભથ્થા સાથે જોડવામાં નહીં આવશે.
વિપક્ષ શાસિત રાજ્યોમાં જૂના પેન્શનના અમલને કારણે દબાણ વધ્યું છે. રાજસ્થાન, પંજાબ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશમાં OPS લાગુ કરવાની જાહેરાત બાદ કેન્દ્ર પર બીજી આકર્ષક પેન્શન યોજના લાવવાનું દબાણ વધ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર નવી યોજનાની જાહેરાત કરી શકે છે.