એપરલ અને ટેકસટાઈલ નિકાસમાં 12 ટકાનો ઘટાડો

0
0

– ઊંચા ફુગાવાને પરિણામે અમેરિકા અને યુકે ખાતેથી માગ પર અસર

– કપાસમાં નરમાઈ અને પશ્ચિમી દેશોમાં ફુગાવો હળવો થતા જુલાઈથી ઘટાડાનો ટ્રેન્ડ અટકશે

અમેરિકા, યુકે તથા જર્મની જેવા મુખ્ય મથકો ખાતેથી નબળી માગને પરિણામે મેમાં દેશની એપરલ તથા ટેકસટાઈલ  નિકાસમાં વાર્ષિક ધોરણે ૧૨.૨૦ ટકા ઘટાડો નોંધાયો છે. ઊંચા ફુગાવા તથા ઈન્વેન્ટરી વધવાને પરિણામે નિકાસ માગ મંદ રહ્યાનું ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું.

ટેકસટાઈલની નિકાસમાં ૧૧.૮૦ ટકા જ્યારે એપરલની નિકાસમાં વાર્ષિક ધોરણે ૧૨.૭૦ ટકા ઘટાડો નોંધાયો હોવાનું પ્રાપ્ત આંકડામાં જણાવાયું છે. આ ઉપરાંત શણનું ઉત્પાદન ૨૯.૩૦ ટકા ઘટયું છે જ્યારે હેન્ડીક્રાફટસ તથા હેન્ડમેડ કારપેટસનું ઉત્પાદન ૨૧.૧૦ ટકા નીચું રહ્યું છે.

મૂલ્યની દ્રષ્ટિએ ભારતની ટેકસટાઈલ તથા એપરલની નિકાસ ગયા મહિને ૨૮૧.૬૦ કરોડ ડોલર રહી હતી જે મે ૨૦૨૨માં ૩૨૦.૬૦ કરોડ ડોલર જોવા મળી હતી. કોમોડિટી નિકાસમાં તેનો હિસ્સો જે ૨૦૨૨ના મેમાં ૮.૨૨ ટકા હતો તે વર્તમાન વર્ષના આ મહિનામાં ઘટી ૮.૦૫ ટકા રહ્યો હતો. 

ટેકસટાઈલ તથા એપરલની નિકાસમાં ઘટાડો ચિંતાનો વિષય છે, એમ કોટન ટેકસટાઈલ્સ એકસપોર્ટ પ્રમાશન કાઉન્સિલના એક હોદ્દેદારે જણાવ્યું હતું.  યુરોપ અત્યારે મોંઘવારીનો સામનો કરી રહ્યું છે. યુએસમાં ઊંચા વ્યાજ દરોને કારણે વેલ્યુ ચેઈન પ્રોવાઈડર્સની માંગમાં ઘટાડો થયો છે. હાલમાં સ્થાનિક અને નિકાસ માંગમાં એક સાથે ઘટાડાને કારણે ટેક્સટાઈલ સેક્ટરને ભારે ફટકો પડયો છે.

માર્ચમાં ટેકસટાઈલ તથા એપરલની નિકાસમાં ૧૯.૩૦ ટકા જ્યારે એપ્રિલમાં ૨૧.૭૦ ટકા ઘટાડો નોંધાયો હતો એમ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીના આંકડામાં જણાવાયું હતું. 

અમેરિકા, યુકે તથા જર્મનીમાં માલભરાવો તથા ઊંચા ફુગાવાને પરિણામે નિકાસ પર અસર પડી રહી હોવાનું કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું. 

જો કે અમેરિકાની બજારમાંથી જુનમાં માગ નીકળી હોવાનું જોવા મળે છે, પરંતુ યુરોપિયન યુનિયન ખાતેથી માગ હજુ મંદ છે, એમ તિરુપુર એકસપોર્ટર્સ એસોસિએશનના એક હોદ્દેદારે જણાવ્યું હતું.