અમદાવાદઃ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચતા જ હિટ સંબંધી બીમારીઓમાં વધારો થઈ રહ્યો છે. EMRI 108 સર્વિસ ઈમરજન્સીના આંકડાઓ મુજબ ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે હિટ સંબંધી ઈમરજન્સીઓના કેસમાં 5 ટકાનો વધારો નોંધાયો છે. સીઝનના પહેલા 26 દિવસ દરમિયાન એમ્બ્યુલન્સ દ્વારા 4791 દર્દાઓને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, અને દિવસના 184 આવા કેસ સામે આવતા હતા.ઉલ્લેખનીય છે કે 2017માં આવા દરરોજ સરેરાશ 176 કેસ નોંધાતા હતા. ગયા વર્ષે 5 દિવસ દરમિયાન દરરોજ હિટ રિલેટેડ 200 કેસ નોંધાયા હતા અને 2 દિવસ એવા હતા જ્યારે માત્ર 2 કેસ જ નોંધાયા હતા. જ્યારે 2016માં દરરોજ સરેરાશ 191 કેસ નોંધાતા હતા. ઉલ્લેખનીય છે કે ડિહાઈડ્રેશનના મોટાભાગના દર્દીઓ 50 વર્ષથી વધુ ઉંમરના છે. કુલ ઈમરજન્સીને કેસમાંથી 37 ટકા લોકોની ઉંમર 50થી વધુની છે, 29 ટકા દર્દીઓ 31-50 વર્ષના છે, 21 ટકા લોકો 21-30 વર્ષના છે અને 13 ટકા લોકો 1-20 વર્ષના છે.ડૉક્ટરે આપેલી માહિતી મુજબ દિવસના 3થી 4 વાગ્યા દરમિયાન હિટ સંબંધી ઈમરજન્સીના કેસ આવે છે. ડૉ. સંકેત દવેએ કહ્યું કે વધુ સમય ઘરની બહાર રહેતા લોકોમાં હિટ સ્ટ્રોકના વિવિધ લક્ષણો જોવા મળ્યા છે. તેમણે કહ્યું કે તુરંત લક્ષણ દેખાય તે જરૂરી નથી. માથાનો દુઃખાવો, શારીરિક થાક વગેરે જેવા તેના લક્ષણો છે. બપોર પછી ઘરની અંદર જ રહેવાની કોશિશ કરવી અને શક્ય હોય તેટલું વધારે પાણી પીવું જોઈએ.EMRIના અધિકારીઓએ કહ્યું કે હિટ સંબંધિત ઈમરજન્સી કેસમાં અમદાવાદ મોખરે રહ્યું છે. રાજકોટ, સુરત અને વડોદરાના સંયુક્ત આંકડાથી પણ વધુ કેસ માત્ર અમદાવાદમાં નોંધાય છે. અધિકારીએ કહ્યું કે, “આના પાછળ કેટલાંક પરિબળો જવાબદાર છે. અમદાવાદ રાજ્યની નાણાંકીય રાજધાની હોવાથી બપોર દરમિયાન પણ લોકો ઘરની બહાર હરતા-ફરતા હોય છે.”