તાજેતરમાં ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં રાજ્યના ધારાસભ્યોના પગારમાં 65 ટકાનો ધરખમ વધારો સર્વાનુમતે કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે એવું કહી શકાય કે, ધારાસભ્યોનો પગાર 1 લાખ 16 હજાર થયો છે. પરંતુ તેને પાંચ વર્ષના ધારાસભ્યની ટર્મ મુજબ, જોવામાં આવે તો 182 ધારાસભ્યો પાંચ વર્ષમાં ગુજરાતની જનતાના અંદાજે 200 કરોડ રૂપિયા પગાર પેટે લેશે. આમ પાંચ વર્ષમાં જનતા પર બે અબજનો વધારાનો બોજ પડશે.
પાંચ વર્ષમાં પેન્શન પાછળ 54 કરોડનો ખર્ચ
ગુજરાતમાં ધારાસભ્યોના પગારની સાથે પેન્શનની પણ યોજના અમલી હોવાથી એક ધારાસભ્યને સરેરાશ 50 હજાર પેન્શન મળશે. તેનો વાર્ષિક આંક જોવામાં આવે તો ધારાસભ્યોના પેન્શન પાછળ વાર્ષિક 10 કરોડ 92 લાખ અને પાંચ વર્ષમાં ધારાસભ્યના પેન્શન પાછળ 54 કરોડ 60 લાખ રૂપિયા ગુજરાતની જનતાના ખિસ્સામાંથી જશે.
ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોના પગાર વધારાનું વિધેયક પસાર થયા બાદ તેનું બારીકીથી વિશ્લેષણ આંકડાકીય રીતે કરવામાં આવે તો આ પ્રમાણે થઈ શકે છે.
ધારાસભ્યના કયા ભથ્થાંમાં કેટલો વધારો
આ સુધારા અન્વયે ધારાસભ્યોને મળતા એકત્રિત ભથ્થા, ટેલિફોન ભથ્થુ, અંગત મદદનીશ ભથ્થું, ટપાલ અને લેખન સામગ્રી અને મૂળ પગાર રૂા. 56,100 સહિત પ્રતિમાસ રૂા. 70,727 મળતા હતા તેને બદલે નવી જોગવાઇ મુજબ મૂળ પગાર રૂા. 56,100ના સ્થાને રૂા.78,8૦૦, મોંઘવારી ભથ્થું (હાલ એકત્રિત ભથ્થું) રૂા. 4,627ના બદલે હવે મોંઘવારી ભથ્થું રૂા. 5,526, ટેલિફોન ભથ્થું રૂા. 4,૦૦૦ના બદલે રૂા. 7,૦૦૦, અંગત મદદનીશ ભથ્થું રૂા.3,૦૦૦ના સ્થાને રૂા. 2૦,૦૦૦ તથા ટપાલ અને સામગ્રી ભથ્થું રૂા. 3,૦૦૦ના બદલે રૂા. 5,૦૦૦ મળીને પ્રતિમાસ રૂા. 7૦,727ના બદલે હવે રૂા. 1,16,316 કરવાની જોગવાઇ સૂચવવામાં આવી છે. આમ ધારાસભ્યોને પ્રતિમાસ રૂા.45,589 જેટલી વધુ રકમ મળવાપાત્ર થશે.
મંત્રીઓના પગાર-ભથ્થામાં તોતિંગ વધારો
હાલમાં વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, મંત્રીઓ અને વિરોધપક્ષના નેતા સહિતના પદાધિકારીઓને ધારાસભ્યોને મળતા મૂળ પગાર કરતા 25 ટકા વધુ મૂળ પગાર મળે છે. તેમાં સૂચિત જોગવાઇ અનુસાર મૂળ પગાર રૂા. 7૦,125ના સ્થાને રૂા. 98,5૦૦, એકત્રિત ભથ્થું રૂા. 7,૦૦૦ના બદલે રૂા. 2૦,૦૦૦, વાહન ભથ્થું રૂા. 4,૦૦૦ના બદલે રૂા. 7,૦૦૦ મોંઘવારી ભથ્થું રૂા. 5,679ના સ્થાને રૂા. 6,895 ચૂકવવામાં આવશે. સભ્ય સિવાયના પદાધિકારીઓને પ્રતિમાસ રૂા.86,8૦4ના બદલે નવી જોગવાઇ મુજબ પ્રતિમાસ રૂા. 1,32,395 મળવાપાત્ર થશે. આમ પદાધિકારીઓને પ્રતિમાસ રૂા. 45, 591 જેટલી વધુ રકમ મળવાપાત્ર થશે.
(વર્ષે 3 કરોડ કમાતા હોય કે 60 હજારઃ ગુજરાતના એકેય MLA પગાર વધારો છોડવા તૈયાર નથી)