અમદાવાદ: ગુજરાતમાં ૨૮ અને ૨૯મીની ડ્રાયરન બાદ રસીકરણ માટે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ગુજરાતમાં એક કેન્દ્ર પર દરરોજ ૧૦૦ લોકોને રસી મળી રહે તેવી રીતે દરરોજ ૧૬ લાખ લોકોને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ૧૬ લાખ સ્વાસ્થ્ય કર્મીઓને રસી આપવા તાલીમબદ્ધ કરાયા છે તેમ જ રસીકરણ પ્રક્રિયાના નિરીક્ષણ અને વિશ્લેષણ માટે ચાર નિષ્ણાત તબીબોની ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સિન અંગેની મોકડ્રીલ (ડ્રાય રન) શહેરમાં પાંચ સ્થળોએ શરૂ કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય શાખાના ૨૫૦ કર્મચારીઓ દ્વારા ૧૨૫ લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યું હતું.રસી આપવા માટે લાભાર્થીઓના મોડયુલ પણ તૈયાર કરી દેવાયા છે, આ માટે નાગરિકોએ એડવાન્સ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ રસીનો ડોઝ અઠયાવીસ દિવસમાં બે વખત, ૧૪ દિવસના અંતરે લેવાનો રહેશે. રસી લીધા બાદ પણ કોરોના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જેમાં માસ્ક પહેરવો, સેનિટાઈઝરોનો ઉપયોગ તથા યોગ્ય સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવાનું રહેશે. આ માટે નાગરિકોનો પૂરતો સહયોગ મળે એ અત્યંત જરૂરી છે.
આ રસીકરણ માટે રાજયમાં ૧૬ હજાર વેકસીનેટરને તાલીમબદ્ધ કરી દેવાયા છે. એક સેન્ટર પરથી એક દિવસમાં ૧૦૦ લોકોને રસી અપાશે. રોજના ૧૬ લાખ લોકોને રસી આપી શકાય એવું આયોજન કરાયું છે.
રસીકરણ પ્રોગ્રામના અમલીકરણ પહેલાં રસીકરણની જુદી-જુદી પ્રક્રિયા માટે ડ્રાય રન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે દેશના ચાર રાજ્યોની પસંદગી કરવામાં આવી છે, જેમાં ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે.