અગાઉ 30 દિવસ બાદ રાજી થયું હતું અને પછી ફરી ગયું, ડોકલામમાં 73 દિવસ લગાવ્યા હતા : 5 જૂને પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી : આર્મીના જણાવ્યા પ્રમાણે બન્ને દેશ હવે ઘટનાસ્થળેથી તેમના સૈનિકો પાછળ હટાવશે
નવીદિલ્હી,તા.૨૩
પૂર્વી લદ્દાખમાં ચીનની સેના પાછળ હટવા માટે તૈયાર થઇ ગઇ છે. સૂત્રોના અનુસાર ગઇકાલે મોલ્ડોમાં થયેલી ભારત અને ચીનની વાતચીત બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. બંને દેશો વચ્ચે પાછળ હટવા પર સહમતિ બની છે. બંને દેશો વચ્ચે સકારાત્મક વાતચીત થઇ ગઇ છે. ચીનની સાથે તણાવ ઓછો કરવા માટે સહમતિ બની છે.
ગઈ કાલે ચીન સીમામાં આવેલા મોલ્ડોમાં બંને દેશો વચ્ચે લેફિ્ટનન્ટ જનરલ સ્તરની વાતચીત થઈ હતી. સેનાના જણાવ્યા પ્રમાણે, વાતચીત સારા માહોલમાં થઈ અને તેનું પરિણામ પણ સારુ આવ્યું. પૂર્વી લદ્દાખમાં અથડામણ વાળી જગ્યાએથી બંને દેશની સેનાઓએ પાછળ હટવા માટે સહમતી બનાવી છે.આ દરમિયાન મંગળવારે આર્મી સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે લેહની મુલાકાતે છે. એક દિવસ પહેલાં જ ભારત અને ચીન વચ્ચે મોલ્ડોમાં લેફિ્ટનન્ટ જનરલ લેવલની બીજી મીટિંગ થઈ છે. જનરલ નરવણે અહીં જમીન સ્તરની સીમા સુરક્ષાની માહિતી મેળવશે. તે સાથે જ સેનાની ૧૪ કોર્પ્સના ઓફિસર્સ સાથે થેયલી મીટિંગમાં શું પ્રગતિ આવી છે તે વિશે પણ ચર્ચા કરશે.
આ પહેલાં તેમણે સોમવારે દિલ્હીમાં સેનાના કમાન્ડર્સ સાથે બેઠકમાં લદ્દાખ, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની સીમા વિશે પણ સંપૂર્ણ માહિતી મેળવી હતી. સેનાની કમાન્ડર મંગળવારે પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. ૧૫ જૂનની રાતે હિંસક ઝપાઝપી પછી સોમવારે ભારત-ચીન વચ્ચે મોલ્ડોમાં લેફિ્ટનન્ટ જનરલ લેવલની બીજી મીટિંગ થઈ હતી. ભારત તરફથી ૧૪મી કોરના કમાન્ડર લેફિ્ટનન્ટ જનરલ હરિંદર સિંહે ભાગ લીધો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતે આ બેઠકમાં પૂર્વી લદ્દાખના પૈંગોંગ ત્સો વિસ્તારમાં ચીની સૈનિકોને હટાવવાની માંગણી કરી હતી.
ભારતીય ઓફિસરોએ ગલવાનમાં થયેલી હિંસક ઝપાઝપી વિશે નારાજગી વ્યક્ત કરી છે. ઝપાઝપીને ચીનનું કાવતરું અને ક્રૂરતા ગણાવવામાં આવી છે. ભારતની માંગ છે કે, ચીન લદ્દાખમાં તેમના સૈનિકોની પોઝિશન એપ્રિલ પ્રમાણે કરે.ચીનની સેનાએ પહેલીવાર માન્યું કે, ૧૫ જૂને ગલવાનમાં થયેલી હિંસક ઝપાઝપીમાં તેમના કમાન્ડર ઓફિસર સહિત ૨ સૈનિકોના મોત થયા છે. જોકે રિપોટ્ર્સમાં પહેલાં ચીનના ૪૦થી વધુ સૈનિકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ગલવાનમાં ચીની સૈનિકોએ ભારતીય સેના પર કાંટાળા તારથી હુમલો કર્યો હતો. જેમાં ૨૦ જવાન શહીદ થયા હતા.સૂત્રોએ જણાવ્યું કે વાતચીતમાં પૂર્વ લદ્દાખથી સૈનિકોને હટાવવા માટેની રીતોને અંતિમ આકાર આપવા પર ધ્યાન આપવામાં આવ્યું. વાતચીત દરમિયાન ભારત તરફથી સ્પષ્ટ કહી દેવામાં આવ્યું કે એલએસીમાં જેવી સ્થિતિ ૫ મે પહેલા હતી તેવી જ હોવી જોઇએ. એટલે કે ભારત તરફથી સ્પષ્ટ શબ્દોમાં કહી દેવામાં આવ્યું કે ચીન પોતાની સરહદમાં પાછું ફરે. બંને પક્ષોની વચ્ચે એ જ જગ્યાએ ૬ જૂનનાં લેફ્ટનન્ટ સ્તરની પહેલા સ્તરની વાતચીત થઈ હતી, ત્યારબાદ બંને દેશોએ આ અવરોધ દૂર કરવા માટે એક સમજૂતીને અંતિમ રૂપ આપ્યું હતુ.
જો કે ૧૫ જૂનનાં થયેલી હિંસક અથડામણ બાદ સરહદ પર સ્થિતિ બગડી ગઈ, કેમકે બંને પક્ષોએ ૩,૫૦૦ કિલોમીટરની વાસ્તવિક સરહદની પાસે મોટાભાગનાં ક્ષેત્રોમાં પોતાની સૈન્ય તૈનાતી ઘણી ઝડપી કરી દીધી.
અગાઉ ચીન 30 દિવસમાં રાજી થયું હતું, પરંતુ 7 દિવસમાં ફેરવી તોળ્યું
ચીન તેના સૈનિકોને પાછા બોલાવશે કે નહીં તે અંગે શંકા છે. આ પહેલી વાર નથી જ્યારે ચીન સૈનિકોને પાછા બોલવવા માટે રાજી થયું હોય. તે અગાઉ પણ બોલીને પાછળથી ફરી ગયું છે. 5-6 મેના જ્યારે પૂર્વી લદ્દાખના પેંગૌંગ સરોવરના ફિંગર-5 વિસ્તારમાં ચીન અને ભારતના સૈનિકો સામસામે આવી ગયા હતા ત્યારથી ચીનના સૈનિકો ગલવાન ઘાટીના પેટ્રોલ પોઇન્ટ 14 પર જમા થયા હતા. વિવાદના 30 દિવસ બાદ 6 જૂને મોલ્ડોમાં જ ભારત અને ચીન વચ્ચે લેફ્ટનન્ટ જનરલ લેવલની વાતચીત થઇ હતી. ત્યારે ચીન પેટ્રોલ પોઇન્ટ 14 પરથી જવાનોને હટાવવા અંગે રાજી થઇ ગયુ હતું. તેણે કેમ્પ હટાવી લીધા હતા. ત્યાં બિહાર ઇન્ફન્ટ્રી રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંતોષ બાબૂ આ મામલે નજર રાખી રહ્યા હતા અને ચીન સાથે વાતચીત કરી રહ્યા હતા. હજુ 8 દિવસ થયા હતા અને ચીને અચાનક તેના કેમ્પ ફરી બનાવી દીધા હતા. જ્યારે કર્નલ સંતોષ બાબૂ 15 જૂનની સાંજે 40 જવાનો સાથે વાતચીત કરવા પહોંચ્યા ત્યારે લગભગ 300 ચીનના સૈનિકોએ તેમના પર હુમલો કર્યો હતો. આ હિંસક અથડામણમાં કર્નલ સંતોષ બાબૂ સહિત 20 ભારતીય જવાન શહીદ થયા હતા.
ડોકલામમાં 73 દિવસ લગાવ્યા હતા
16 જૂને 2017માં ડોકલામ વિવાદ શરૂ થયો હતો. ભારતીય સૈનિકોએ ચીનના સૈનિકોને રોડ બનાવતા અટકાવ્યા હતા. ચીનનો દાવો હતો કે તેઓ તેમના વિસ્તારમાં રોડ બનાવે છે . ભારતમાં આ વિસ્તારનું નામ ડોકા લા છે જ્યારે ભૂટાનમાં તેને ડોકલામ કહેવામાં આવે છે. ચીને ત્યારે ડોકલામથી પાછળ હટવા 73 દિવસ લગાવ્યા હતા. 28 ઓગસ્ટ 2017ના ચીન પાછળ હટવા રાજી થયું હતું અને સૈનિક હટાવી લીધા હતા. ત્યારબાદ ત્યાં વિવાદ નથી થયો.