પ્રભુએ આપેલા કાવ્યને સૌએ ગાવાનું છે, પૂરેપૂરું ગાવાનું છે
આપણું જીવન એ પ્રભુનું આપેલું કાવ્ય છે. આપણએ સૌએ એ ગાવાનું છે. પૂરેપૂરું ગાવાનું છે. જન્મથી શરૂ થયેલી જીવનયાત્રા મૃત્યુની મંઝીલે પૂર્ણ થાય છે. માણસ જ્યારથી જન્મે છે ત્યારથી જ કાળનું કાઉન્ટ ડાઉન શરૂ થાય છે. જન્મ થયો ત્યારથી જ મૃત્યુ તરફની આપણી યાત્રા હકીકતમાં શરૂ થઇ ચૂકી છે. જેનું નામ છે, યાત્રા. યા એટલે કે જા અને ત્રા એટલે કે ત્રાસ વેઠવાની બેવડ હોય તો. જીવનની યાત્રામાં અનેક મુશ્કેલીઓ તો આવવાની જ છે. આપણે યાત્રાએ નીકળ્યા છીએ, રખડવા નહીં. રખડવા નીકળેલા માણસ પાસે નિર્ધારિત લક્ષ્ય નથી હોતું, યાત્રિક લક્ષ્ય નક્કી કરીને નીકળે છે. .
સરિતા સાગરને મળવા જાય એવી જીવની શિવને પામવાની યાત્રા છે. વહેતી સરિતા પોતાની યાત્રા દરમિયાન અનેક તૃષાતુરોને તૃપ્ત કરે છે. સંતૃત્પને શીતળતા આપે છે, મલિનને મલહિન કરે છે. છતાં એને કર્તૃત્વનું અભિમાન નથી. આમ, હેતુ રહિત બની અન્યનું હિત કરે અને હરિને ભજે તો એનું હિત આપોઆપ થઇ જાય..
જીવનની ઢળતી સંધ્યાએ સંતોષનો શ્વાસ લઇ જીવનયાત્રાને પૂર્ણ કર્યાનો આનંદ લઇ અવિનાશી પાસે પહોંચે. પારમાર્થિક પરિશ્રમ એને પાવન બનાવે અને પરમાત્મા એને પ્રિય બનાવે. માટે કોઇએ એવો ક્યારેય વિચાર પણ ન કરવો કે તે જગતમાં અનાથ છે. હવે તમને સનાથ બનવાની વિશેષતા કહું.
પ્રભુએ આપેલા કાવ્યને સૌએ ગાવાનું છે, પૂરેપૂરું ગાવાનું છે.
સૌનો નાથ જગન્નાથ છે. પણ કહી શકાય કે અનાથ જો કોઇ હોય તો તે એક જગન્નાથ પોતે. કારણ કે નાથનો નાથ કોણ? જગતમાં કોઇ નથી. તેથી જગન્નાથને જ્યારે સનાથ થવાનું મન થાય ત્યારે તે માને શોધે છે. કોઇ યશોદા મળે, કોઇ કૌશલ્યા મળે એ શોધતો હોય છે. એટલા માટે આપણા ચારણી સાહિત્યના ભક્ત કવિ કાગે કહ્યું છે કે ભગવાન પણ જ્યારે જ્યારે માતાને માધ્યમ બનાવીને ધરતી પર આવ્યા છે ત્યારે તે વધારે પૂજાયા છે. એ ધારે તો માતા-પિતા વગર પણ પ્રગટ થઇ શકે છે અને એવા અવતારો પણ આપણે ત્યાં છે. કે જેમાં ભગવાન માતા-પિતા વગર જ સીધા પ્રગટ થયા હોય. પરંતુ તેનું એટલું બધું મહત્વ નથી. સમાજે તેમને સ્વીકાર્યા નથી. .
કચ્છપ અવતાર થયો, મત્સ્ય અવતાર થયો, એક સમયે તો એવી કટોકટી આવી કે પોતાના ભક્ત પ્રહ્લાદની રક્ષા કરવા માટે ભગવાને થાંભલાને પોતાનો બાપ બનાવ્યો અને તેમાંથી તેઓ પ્રગટ થયા. આપણે ત્યાં વરાહ અવતારનાં પણ એટલા બધા મંદિર નથી. મત્સ્ય અવતારનાં મોટી સંખ્યામાં એટલા બધા મંદિર નથી. કૂર્માવતારનાં એટલા બધા મંદિર પણ નથી પરંતુ રામ અને કૃષ્ણના મંદિરો મોટી સંખ્યામાં છે, શ્રીરામચંદ્રજી અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ વધારે પૂજાય છે. કેમકે તે માતાને માધ્યમ બનાવી પ્રગટ થયા છે. તેથી ભગવાનને પણ સનાથ થવાનું મન થયું ત્યારે તેઓ માતા દ્વારા પ્રગટ થયા છે.
જન્મથી શરૂ થયેલી જીવન યાત્રા મૃત્યુ ની મંજીલે પૂર્ણ થાય છે
આપણું જીવન જેમ કાવ્ય છે ત્યારે શ્રીમદ્ ભાગવત શું કાર્ય કરે, મનથી તારવાનું કાર્ય કરે છે. જે કંઈપણ કામનાથી સકામ મન હોય તો તેને નિષ્કામ કરી દે છે અને એટલું જ નહીં, કૃષ્ણકામનાથી યુક્ત પણ કરી દે છે. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે રાસલીલા સમયે વ્રજમાં વેણુનાદ કર્યો હતો ત્યારે એ વેણુનાદ સાંભળીને ગોપીઓમાં કામનો ઉદ્ભવ થયો. જેના મનને શ્રીકૃષ્ણએ ચોરી લીધું છે, એ ગોપીઓના મનમાં શ્રીકૃષ્ણના વેણુનાદથી કામ ઉત્પન્ન થયો. કામના પ્રગટ થઈ, પરંતુ એ યાદ રહે કે શ્રીકૃષ્ણ વિષયક કામના હતી. એ શ્રીકૃષ્ણને મળવાની કામના હતી. ભગવદ્ પ્રાપ્તિની ઈચ્છા છે. વિતૃષ્ણા એટલે તૃષ્ણા રહિત. મહાભારતમાં પણ જ્યારે ભીષ્મ પિતામહ યુદ્ધભૂમિ પર અંતિમ યાત્રા પૂર્વે બાણશૈયા પર સૂતાં છે ત્યારે કહે છે કે, ‘હે કૃષ્ણ! મારી આ મતિ-બુદ્ધિ હું આપને સમર્પિત કરું છું અથવા તો હવે બીજી કોઈ તૃષ્ણા જ નથી રહી. મૃત્યુના સમયે મારી આ બુદ્ધિ જે અનેક પ્રકારનાં સાધનોનું અનુષ્ઠાન કરીને અત્યંત શુદ્ધ થઈ ગઈ છે અને કામનાઓથી રહિત થઈ ગઈ છે, તે યદુવંશ શિરોમણિ અનંત ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં સમર્પિત કરું છું. ક્યારેક વિહાર કરવાની ઈચ્છાથી કે લીલા કરવાની ઈચ્છાથી પ્રકૃતિનો સ્વીકાર કરે છે. જેનાથી આ સૃષ્ટિ પરંપરા ચાલે છે. જેનાથી આ સૃષ્ટિનો પ્રવાહ ચાલતો રહે છે, એવા ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે હું મારી સાધનાના અનુષ્ઠાનથી શુદ્ધ થયેલી અને કામના રહિત બુદ્ધિને સમર્પિત કરું છે. .
જેમ અગાઉ કહેવાયું કે સંતોષનો શ્વાસ લઈને પ્રભુ પાસે પહોંચીએ તેમ જીવનમાં લાભ એ જ છે કે, જીવનના અથવા આયુષ્યના અંતિમ તબક્કામાં શરીરમાંથી પ્રાણ નીકળે ત્યારે શ્રીહરિનું સ્મરણ કરતાં-કરતાં નીકળે તે ભવસાગરને પાર તરે. .