ઝેરી મેલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનિયા અને તાવના સંખ્યાબંધ કેસો : રોગચાળાની વકરતી સ્થતિને લઇ તંત્ર દોડતુ થયુ
અમદાવાદ, તા.૨૧
તાજેતરના વરસાદ બાદ રાજકોટમાં રોગચાળો વકર્યો છે અને આરોગ્ય અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યાં છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ છેલ્લા ૩-૪ દિવસથી દર્દીઓ ઉભરાઈ રહ્યાં છે. જ્યારે ૨૧ હજાર બ્લડની સ્લાઈડ લેવામાં આવી છે. જન્માષ્ટીના તહેવાર અને લોક મેળા પહેલા જ અનેક લોકો સિવિલમાં સારવાર હેઠળ છે. એક બાજુ સ્વચ્છતા ઝુંબેશ ચાલી રહી છે અને બીજી બાજુ વાસ્તવિકતા જ અલગ છે. રાજકોટમાં ગઇકાલે પાંચ માસના અને બે માસના બે બાળકો સહિત કુલ ત્રણ બાળકોના શંકાસ્પદ મોત નોંધાયા છે. જેના પગલે તંત્ર ફફડી ઉઠયું છે અને દોડતું થઇ ગયું છે. શહેરમાં છેલ્લા એક મહિનામાં હજારો તાવના કેસ નોંધાઈ ચૂક્યાં છે. શહેરમાં ફાટી નીકળેલા રોગચાળાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ મચ્છરના બ્રિડિંગની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું છે કે રોગચાળો વધશે તો ત્યાંના અધિકારી જવાબદાર રહેશે તેમ જણાવ્યું છે. આવતીકાલે મુખ્યમંત્રી રાજકોટ આવવાના હોવાથી રોગચાળાને લઈ મેયર બીનાબેન આચાર્ય અને આરોગ્ય સમિતિના ચેરમેને આરોગ્ય વિભાગની તાત્કાલિક બેઠક બોલાવી હતી. જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે રોગચાળો અટકાવવા અને આરોગ્ય વિષયક પગલાં માટે આદેશો કરવામાં આવ્યા હતા. જુલાઈ અને ઓગસ્ટમાં આઈપીડી અને ઓપીડીના દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે. ગઇકાલે બે બાળકોના મોત સહિત કુલ ત્રણ બાળકોના શંકાસ્પદ મોત નોંધાયા હતા. આ બન્ને બાળકોના સિવિલ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત થઈ ચૂક્યા હતા. જેથી તેમના પીએમ કરાવવામાં આવ્યા હતા. પ્રિન્સનું મોત શ્વાસનળીમાં દૂધ ફસાવાથી થયું હતું જ્યારે આયેશાના મોત અંગે પીએમ રિપોર્ટ આવ્યા બાદ ખુલાસો થશે. જુલાઈમાં ૩૦૧ શંકાસ્પદ ડેંગ્યુ કેસ અને ૨૭ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે ઓગસ્ટમાં ૨૮૮ શંકાસ્પદ ડેંગ્યુ કેસ અને ૨૪ પોઝિટીવ આવ્યા છે. તેમજ ચિકન ગુનિયાના ૨૨ શંકાસ્પદ અને એકપણ પોઝિટીવ કેસ નોંધાયો નથી. ઓગસ્ટમાં ચિકનગુનિયાના ૨૬ શંકાસ્પદ કેસ સામે આવ્યા, જેમાં ૨ પોઝિટીવ હતા. જુલાઈમાં સિવિલ હોસ્પિટલમાં ઓપીડી ૮૬,૩૨૬ દર્દીઓ અને આઈપીડી ૫,૪૬૮ દર્દીઓએ સારવાર લીધી હતી. કુવાડવા રોડ પર રહેતા ૫ માસના પ્રિન્સુનું અને સુંદરમ સોસાયટીમાં રહેતી ત્રણ માસની આયેશાનું મોત નિપજ્યું છે. જેમાં આયેશાનું મોત શંકાસ્પદ છે. ચાલુ મહિના દરમિયાન ૫૧,૩૨૭ ઘર તથા ટાંકા, પીપ વગેરે મળી૨,૬૩,૬૩૧ પાત્રો તપાસવામાં આવ્યાં હતા. જેમાંથી ઘરોની અંદરથી ૫૫૭૨ પાત્રો પોરા માટે પોઝીટીવ મળી આવ્યા હતાં. તાવના કેસમાં ૪૩૧૬ લોહીના નમુના લેવામાં આવ્યા છે. તો સોસાયટી વિસ્તારમાં ૧૦,૮૭૯ ઘરમાં ફોગીંગની કામગીરી કરવામાં આવી છે. આવતીકાલે મુખ્યમંત્રી રાજકોટમાં હોવાથી મેયર સહિતના સત્તાધીશોએએ તાત્કાલિક બેઠક બોલાવી હતી. રોગચાળાને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગે શહેરનાં અલગ અલગ વિસ્તારમાં ફોગીંગની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ મચ્છરના બ્રિડિંગની પણ તપાસ કરવામાં આવી રહી છે.