અમદાવાદ:
હાલની સ્થિતિ જોતાં સ્વચ્છ શહેર-સ્વસ્થ શહેરની વાતો પોકળ સાબિત થતી હોય તેવું શહેરમાં ઠેર ઠેર જોવા મળી રહ્યું છે. શહેરમાં ગંદાં પાણીનાં તળાવ નજરે પડી રહ્યાં છે તો કચરા અને ગંદકીના ઢગ પણ ખડકાયેલા જોવા મળી રહ્યા છે, કારણ કે નિકોલ ગામમાં આવેલા વર્ષોજૂના તળાવમાં અને તળાવની આસપાસ ગંદકીના ઢગ છે એટલું જ નહીં, આ તળાવની અંદર દૂષિત પાણી છોડવામાં આવે છે અને છેલ્લા એક વર્ષથી નિકોલ ગામના લોકોએ કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ પણ અધિકારીના પેટનું પાણી આજ સુધી હાલતું નથી. તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં નહીં આવતાં સ્થાનિક રહીશોમાં ઉગ્ર રોષ ઊભો થયો છે.
શહેરનાં તળાવની દુર્દશા સામે જોવાનો પણ સમય અધિકારીઓ પાસે ન હોય તેમ વિવિધ સમસ્યાઓથી નિકોલ વિસ્તારના સ્થાનિકો પીડાઇ રહ્યા છે. એક તરફ તંત્ર સ્વચ્છ શહેર-સ્વસ્થ શહેર બનાવવાની વાતો કરી રહ્યું છે, બીજી તરફ નિકોલ ગામમાં સ્કૂલ તેમજ તેની આજુબાજુ દુકાનો તથા ઘણી બધી સોસાયટીઓ આવેલી છે અને તેની આસપાસ ગંદું પાણી ભરાતાં તેઓનું આરોગ્ય પણ જોખમાઇ શકે તેવી સ્થિતિ સર્જાઇ છે. તળાવ ફરતે ગંદકીના ઢગ જોવા મળે છે, જેના કારણે અહીં વસતા લોકોને હાલાકી ભોગવવી પડે છે.
સ્થાનિકોએ અનેક વખત આ મામલે તંત્રને જાણ કરી છે. ચોમાસાના સમયે જ્યારે તળાવનું દૂષિત પાણી અહીંના વિસ્તારમાં ઓવરફ્લો થાય ત્યારે આસપાસના રહીશોને ઘર બહાર નીકળવું તથા અહીંંથી પસાર થવું પણ અઘરું બને છે, સાથે જ આસપાસનાં ધંધાકીય એકમો દ્વારા કેમિકલવાળું પાણી છોડાતાં સ્થાનિકોને ચામડીના રોગ થાય છે.
ગેરકાયદે ગટર કનેક્શન જોડી દેવાના કારણે આ તળાવમાં ગંદું અને કેિમકલયુક્ત પાણી ઠલવાય છે, જેના લીધે નિકોલ ગામમાં આવેલ આ તળાવ સ્થાનિકો માટે માથાના દુખાવારૂપ બન્યું છે. વર્ષોજૂના આ તળાવ તરફ મ્યુનિ. તંત્રની નજર ન પડવાના કારણે તેનું ડેવલપમેન્ટ પણ થઇ શક્યું નથી. નિકોલના તળાવ પાસે આંગણવાડી તેમજ સ્કૂલ પણ આવેલાં છે. આ તળાવના કારણે સ્કૂલ જતાં બાળકોના સ્વાસ્થ્યનું જોખમ રહેલું છે તેમ છતાં પણ તળાવમાં રહેેલું દૂષિત પાણી ખાલી કે સાફ કરાતું નથી કે પછી દવા પણ છાંટવામાં આવતી નથી.
આ તળાવમાં કચરાનો ઢગ છે. ગામની ડ્રેનેજ લાઇન અને આસપાસની ફેક્ટરીઓમાંથી આવતું કેમિકલયુક્ત પાણી નજીકમાં રહેતા હજારો સ્થાનિકોના ઘરમાં ચોમાસા દરમિયાન તળાવ ઊભરાતાં ઘૂસી જાય છે અને ઘરવખરીના કારણે તેમણે પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિ. તંત્ર દ્વારા શહેરમાં આવેલાં ૧૧૫ તળાવની સફાઇ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરાયો છે, તેમ છતાંય નવાઇની વાત એ છે કે મ્યુનિ. તંત્રની બેદરકારીના કારણે હાલમાં શહેરનાં ૧૦૦ તળાવમાં ગંદકી જોવા મળી રહી છે. દૂષિત થઇ ગયેલાં આ તળાવ જનઆરોગ્ય સામે ખતરો બની ગયાં છે.
આ વિસ્તારના રહેવાસી સંતોષ મિશ્રાએ જણાવ્યું કે તળાવમાં ગંદકી અને જંગલી વનસ્પિતના કારણે મચ્છરનો ત્રાસ અસહ્ય બન્યો છે, જેથી આજુબાજુમાં આવેલી સોસાયટીના લોકો પરેશાન થઇ ગયા છે. બાળકોને મચ્છર કરડતાં શરીરે ચાઠાં પડી જાય છે.
વિજયભાઈ સોિજત્રાએ જણાવ્યું હતું કે આ અંગે મ્યુનિ. તંત્રમાં વારંવાર રજૂઆત કરાઇ હોવા છતાં તંત્ર દ્વારા ધ્યાન અપાતું નથી. આ તળાવની ગંદકી કે સાફસફાઈ કરવામાં આવતી નથી, જેથી ગંદકીના કારણે તેમણે હેરાન થવું પડે છે