અજાણ્યાના પોતીકા સ્વજન બની છેલ્લા ૩૫ વર્ષોથી પ્રવીણસિંહ દરબાર સિવિલ હોસ્પિટલમાં લોકોને કેસ કઢાવવાથી લઇ દાખલ કરવા અને દવા અપાવવાથી માંડી સારસંભાળ સહિતની બહુ અનોખી સેવા કરી માનવતા મહેંકાવી રહ્યા છે
ઘણીવાર તો ગાંઠના પૈસા ખર્ચીને પણ કોઇ નિરાધાર, અનાથ અને દીન-દુ:ખી, દર્દીઓની સેવા કરવાનું પ્રવીણસિંહ ચૂકતા નથી : છેલ્લા પચ્ચીસ વર્ષોથી અજાણ્યા લોકોને સારા-નરસા પ્રસંગે પત્રો લખી રકતદાન, દેહદાન અને ચક્ષુદાનની જાહેર અપીલ કરે છે, અત્યારસુધી બે લાખ પોસ્ટકાર્ડ લખ્યા છે
અમદાવાદ, તા.૩૧
આજના સમયમાં પૈસા અને ભૌતિક સુખોની લ્હાયમાં જયારે પરિવાર અને સમાજના સંબંધો કોરાણે મૂકાઇ રહ્યા છે અને માણસ જયારે એકલતા, માનસિક-શારીરિક તકલીફો, બિમારીઓ અને દુ:ખ-દર્દો વચ્ચે જીવવા મજબૂર બન્યો છે ત્યારે સમાજમાં એવા પણ કેટલાક સેવાભાવી માણસ હોય છે કે જે પોતાના ગાંઠના પૈસા ખર્ચી, પોતાનો સમય અને જીવન જાણે બીજા દીન-દુ:ખીઓની સેવામાં જ ખપાવી દેતા હોય છે..આવા જ એક પ્રેરણારૂપ અને અજાણ્યાના સ્વજન સમા બની રહ્યા છે અસારવા વિસ્તારમાં ભોગીલાલની ચાલી ખાતે રહેતા અનોખા સમાજસેવી પ્રવીણસિંહ દરબાર. કહે છે ને કે, જેને સાચા અર્થમાં સેવા જ કરવી છે, તેને કોઇ સત્તા, હોદ્દો કે પદ કે પછી પૈસાની જરૂર નથી, માણસ ધારે તો પોતાનો સમય અને કર્મો દ્વારા પણ બીજાની સેવા બજાવી શકે છે અને તેનું ઉત્તમ ઉદાહરણ છે આ સમાજસેવી પ્રવીણસિંહ દરબાર કે જેમણે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં જ અગણિત દીન-દુ:ખીઓની સેવા કરવામાં ત્રીસ-પાંત્રીસ વર્ષો ગાળી નાંખ્યા અને પોતે જીવનના ઘડપણના ઉંબરે પહોંચ્યા હોવાછતાં આજે પણ દીન-દુ:ખીઓ અને દર્દીઓની અવિરત અને પરોપકારની સેવા ચાલુ છે. એટલે સુધી કે, ઘણીવાર તો ગાંઠના પૈસા ખર્ચીને પણ કોઇ નિરાધાર, અનાથ અને દીન-દુ:ખી, દર્દીઓની સેવા કરવાનું પ્રવીણસિંહ ચૂકતા નથી.
અસારવામાં ભોગીલાલની ચાલીમાં રહેતાં સામાજિક કાર્યકર પ્રવિણસિંહ દરબાર ભલે કોઇપણ અજાણી વ્યકિત હોય અને સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા માટે રઝળતી હોય કે, સિવિલ સંકુલમાં લાચારીભરી પરિસ્થિતિમાં કણસતા હોય તો તેને કેસ કઢાવવાથી માંડી, સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવવાથી માંડી, તેને દવા અપાવવાથી લઇ તે દર્દી હોસ્પિટલમાં દાખલ હોય ત્યાં સુધી તેની સારસંભાળ અને ખબરઅંત પૂછવા સહિતની છેક સુધીની માનવતા અને સેવા નિભાવતા આવ્યા છે. કોઇપણ જાતના સ્વાર્થ વિના બિલકુલ નિ:સ્વાર્થભાવે પ્રવીણસિંહ કોઇપણ અજાણ્યા દીન-દુ:ખીઓ કે દર્દીઓની પોતીકા સ્વજન બનીને દોડધામ અને સેવા કરતા હોય છે, જે જોઇ ઘણીવાર દાખલ થનાર દર્દી કે તેના પરિજનોની આંખમાં પણ આંસુ આવી જતા હોય છે કે, તેમના પરિવારજનો કે, આત્મીયજનો પણ આવા દુ:ખના સમયમાં સાથે ના ઉભા રહ્યા ત્યારે પ્રવીણસિંહ જેવા માનવતાના સેવક પરિવારથી પણ અધિક થઇ પડખે ને પડખે ઉભા રહ્યા. પ્રવીણસિંહના જીવનની બીજી એક બહુ પ્રેરણારૂપ અને નોંધનીય વાત એ છે કે, આજથી દાયકાઓ પહેલાં સગાં સંબંધીઓ એકબીજાને પોસ્ટ કાર્ડ લખીને ખબર અંતર પૂછતાં હતા. સારા-નરસા પ્રસંગોએ પણ પોસ્ટ કાર્ડ લખતાં હતા. તેમાંય શોક સંદેશા કે મુત્યુની જાણ માટે પોસ્ટકાર્ડ કાળી પેનથી લખતા હતા. આજે પરિસ્થિતિની સાથે યુગ પણ બદલાયો છે. આજે ડીજીટલ યુગમાં વોટસએપ મેસેજથી કે પછી ફોન કરીને એકબીજાના ખબર અંતર પૂછી લે તે તો ઠીક છે. પરંતુ કોરોના કાળમાં તો હવે લોકો લગ્નની કંકોત્રી પણ સગાં સંબંધીને રૂબરૂ આપવા જવાના કે પછી કુરિયર કે પોસ્ટ કરવાના બદલે માત્ર વોટસએપ પર કંકોત્રી મોકલી દેવા લાગ્યા છે. તો મુત્યુના સમાચારમાં તો માત્ર ઓમ શાંતિ કે પછી શોર્ટ મેસેજ કરીને સાત્વના પાઠવવાની શરૂઆત થઇ ચૂકી છે. આમ જમાનાની સાથે લોકો પણ બદલાવા માંડયા છે. મતલબ કે પોસ્ટ કાર્ડનો જમાનો વીતી ગયો છે. આવા સમયે પણ અસારવામાં ભોગીલાલની ચાલીમાં રહેતાં સામાજિક કાર્યકર પ્રવિણસિંહ દરબાર આજે પણ લોકોને પોસ્ટ કાર્ડ લખે છે. એટલે કે આ પોસ્ટ કાર્ડ સ્વજન કે સગાં સંબંધીને જ નહીં બલ્કે અખબારમાં રોજ આવતી બેસણાંની જાહેરાતો જોઇને મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવવા પોસ્ટ કાર્ડ લખે છે. આવું તે હમણાંથી નહીં બલ્કે લગભગ ૨૦-૨૫ વર્ષ કરતા વધુ સમયથી કરે છે. તેમાં સાંત્વનાની સાથોસાથ ચક્ષુદાન, દેહદાન તથા રક્તદાનના સૂત્ર લખીને લોકજાગ્રુતિનું કાર્ય કરે છે. આમ પ્રવિણસિંહ અજાણ્યા પરિવારના અનોખા સ્વજન તરીકેનું કાર્ય કરે છે.
પોતાના આ અનોખા સેવાયજ્ઞ વિશે વાત કરતાં પ્રવિણસિંહ આર. દરબાર જણાવે છે કે, મારા વડીલ સ્વ. સૂર્યકાન્તભાઇ પટેલ જે પૂર્વ કોર્પોરેટર હોવાની સાથે વકીલ પણ હતા. તેઓ વકીલ મિત્રોમાં કોઇને ત્યાં દુખદ ઘટના બની હોય તો પોસ્ટ કાર્ડ લખતાં હતા. આ પોસ્ટ કાર્ડ હું પોસ્ટ ઓફીસમાં નાંખવા જતો ત્યારે વાંચતો હતો. તેના પરથી મને પ્રેરણા મળી હતી. એટલે હું પણ છેલ્લાં ૨૦-૨૫ વર્ષ કરતા વધુ સમયથી પોસ્ટ કાર્ડ લખવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં બે લાખ કરતા વધુ પોસ્ટકાર્ડ લખી ચુક્યો છું. અખબારમાં આવતાં અવસાન નોંધ કે પછી બેસણાંની જાહેરાતો જોઇને મૃતકના સ્વજનોને પોસ્ટકાર્ડ લખીને સાત્વના પાઠવીને તેમના દુખમાં સહભાગી થવાનો પ્રયાસ કરતો હતો. તેનાથી મારા મનને સંતોષ થતો હતો. આ કામગીરી હવે રોજીંદી બની ગઇ છે. સવારે ઊઠતાંની સાથે જ અખબાર જોઇને રોજના ૧૫થી ૨૫ પોસ્ટ કાર્ડ લખ્યા બાદ જ બીજી કામગીરી શરૂ થાય છે.
પ્રવીણસિંહે વધુમાં ઉમેર્યું કે, તેઓ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સેવા કાજે ફરતા હોય છે. ત્યારે ઘણાં દર્દીઓ ચક્ષુ, રક્ત નહીં મળવાના કારણે કણસરતાં જોયા છે. તો મેડિકલ સ્ટુડન્ટ દેહ નહીં મળવાના કારણે તેમના અભ્યાસમાં અડચણો ઉભી થાય છે તેવી માહિતી મળતી હોવાથી આ પોસ્ટ કાર્ડમાં રક્તદાન, ચક્ષુદાન તથા દેહદાન કરવાની અપીલ પણ કરવા લાગ્યા છે. પ્રવિણસિંહે કહ્યું કે, હું દરરોજ સરેરાશ ૧૫થી ૨૫ પોસ્ટ કાર્ડ લખું છું. પરંતુ ગુરૂવાર, શુક્રવાર અને રવિવારે બેસણાં વધુ હોવાથી પોસ્ટ કાર્ડ લખવાની સંખ્યા વધી જાય છે. જયારે સોમવાર, મંગળવાર, બુધવાર અને શનિવારે બેસણાં ઓછા રાખતાં હોય છે. તેમના પોસ્ટ કાર્ડ વાંચીને 20 ટકા લોકો રિસ્પોન્સ પણ આપે છે. તેઓ ફોન કરીને આભાર માને છે તો કેટલાંક લોકો દેહદાન કે ચક્ષુદાન માટેની જાણકારી મેળવતાં હોય છે. જયારે મહાનુભાવો તરફથી પત્ર લખીને આભાર વ્યક્ત કરે છે. દર મહિને આવા એક હજાર પોસ્ટ કાર્ડ લખું છું.
બોક્ષ : પ્રવીણસિંહે લખેલા પોસ્ટકાર્ડમાંથી પ્રેરણા લઇ અત્યારસુધીમાં સાતથી વધુ લોકોએ દેહદાન કર્યા
પ્રવીણસિંહે નોંધનીય વાત કરતાં જણાવ્યું કે, તેમના લખેલા પોસ્ટકાર્ડમાં રકતદાન, દેહદાન અને ચક્ષુદાનના માનવતાભર્યા સંદેશાથી પ્રભાવિત થઇને અત્યારસુધીમાં તેમના થકી સાતથી વધુ લોકોએ તેમના દેહદાન કર્યા છે. તો ૧૦ થી વધુ લોકોએ દેહદાન માટેના ફોર્મ ભર્યા છે. જયારે 15થી 20 જણાંએ ચક્ષુદાન કર્યા છે. અને રક્તદાન તો લોકો કેમ્પમાં જઇને કરી આવે છે. આ કાર્યથી મને સામાજિક દાયિત્વ નિભાવ્યાંનો આનંદ થાય છે. પ્રવિણસિંહે પોતાની સત્કાર્યની વાત આગળ ધપાવતાં જણાવ્યું કે, હું ૧૫ પૈસામાં પોસ્ટ કાર્ડ મળતા હતા ત્યારથી લખું છું. પછી ૨૫ પૈસા થયા અને આજે એક પોસ્ટ કાર્ડના ૫૦ પૈસા થઇ ગયા છે. દર મહિને ૫૦૦ રૂપિયાના એક હજાર પોસ્ટ કાર્ડ લઇ આવું છું. શરૂઆતમાં હું મોટી સંખ્યામાં પોસ્ટ કાર્ડ લેવા સિવિલ હોસ્પિટલ પોસ્ટ ઓફીસ જતો હતો. ત્યાં ના હોય તો પછી હું જી.પી.ઓ. જતો હતો. ત્યારે મોટી સંખ્યામાં પોસ્ટકાર્ડ લેતો હોવાથી પોસ્ટ ઓફીસનો સ્ટાફ મને પૂછતો હતો કે તમે પોસ્ટકાર્ડનો વેપાર કરો છો. પણ વેપાર કરનારા પણ આટલી મોટી સંખ્યામાં પોસ્ટ કાર્ડ લઇ જતાં નથી. પરંતુ મારી વાત સાંભળ્યા બાદ હવે કોઇ મને પૂછતું નથી.
બોક્ષ : પ્રવીણસિંહ પોતે પણ તેમના દેહનું દાન કરવાના છે
અજાણ્યા લોકોને રકતદાન, દેહદાન અને ચક્ષુદાન કરવા અંગેના લાખો પત્રો લખનાર સમાજસેવી પ્રવીણસિંહ દરબાર પોતે પણ પોતાના દેહનું દાન કરવાના છે. તેમણે અત્યારથી જ આ અંગેની જાહેરાત અને જાણ તેમના ખુદના પરિવારજનો, મિત્રવર્તુળ અને સ્વજનોને કરી દીધી છે. પ્રવીણસિંહનું કહેવું છે કે, મૃત્યુ બાદ આપણું શરીર ચિતામાં સળગ્યા બાદ રાખ થઇ જવાનું છે, તેના કરતાં બહેતર છે કે, આપણા અંગો થકી કોઇના જીવનમાં નવા પ્રાણ પૂરાય અને કોઇના જીવનમાં માનવતા મહેંકે બસ. મને મારા જીવનમાં સમાજ સેવાની પ્રેરણા મળી તે મારા વડીલબંધુ અને પૂર્વ કોર્પોરેટર સૂર્યકાંતભાઇ પટેલે પણ તેમના નિધન બાદ તેમના દેહનું એલ.જી.હોસ્પિટલમાં દેહદાન કર્યું હતું. મેં પણ એ જ રીતે દેહદાન કરવાની ઇચ્છા જાહેર કરી છે.
બોક્ષ : સારા પ્રસંગે પ્રોત્સાહક બની પત્રો લખે છે પ્રવીણસિંહ
મૃતકોના પરિવારોને સાંત્વના આપવાની સાથે પ્રવીણસિંહ દરબાર સુખમાં પણ પ્રોત્સાહન અને અભિનંદન પાઠવી ભાગીદાર થાય છે. સામાજિક સંગઠનોના નવનિયુક્ત હોદ્દેદારો, રાજકીય આગેવાનો, વિદ્યાર્થીઓને સારા ગુણે પાસ થવા બદલ તેમ જ રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતાઓને પણ અભિનંદન આપતા પત્રો લખે છે. એટલે સુધી કે કોઇપણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરેલી હોય તેવી વ્યક્તિને પણ શુભેચ્છા આપતાં પોસ્ટકાર્ડ લખે છે. આમ કરી તેઓને તે પ્રોત્સાહન અને અભિનંદન પાઠવી સામાજિક ઉત્કર્ષમાં વધુ ને વધુ લોકો જોડાય તેવુ ઇચ્છી રહ્યા છે.
બોક્ષ : સમૂહ લગ્નોત્સવ જેવી જવાબદારી પણ એટલા જ ભાવથી નિભાવે છે
સામાજિક કાર્યો કરવાનું બીડું ઝડપ્યું હોય તેમ પ્રવિણસિંહ સમાજ પ્રત્યેનું રૂણ અદા કરવામાં પણ અગ્રેસર છે. તેમના રાજપૂત સમાજના યુવતીઓના સમૂહ લગ્નોત્સવનું પણ આયોજન કરે છે. તેના માટે સમાજના આગેવાનો પાસેથી દાન મેળવીને જરૂરિયાત મંદ યુવતીઓને ઘરવખરી સુધીની ગીફ્ટ અપાવે છે. એટલું જ નહી, વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ, શિષ્યવૃત્તિ અને વ્યકિતત્વ ઘડતર સહિતની સામાજિક જવાબદારી પણ તેઓ એટલા જ ઉત્સાહ સાથે નિભાવતા આવ્યા છે.