અમદાવાદ: જિલ્લાના ધોળકામાં મામલતદાર અને ભાજપનો સ્થાનિક અગ્રણી રૂ. પચીસ લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જમીનમાં નામ દાખલ કરવા અંગે મામલતદાર હાર્દિક ડામોર રૂ. પચીસ લાખ રૂપિયાની લાંચ માગી હતી. જેમાં એસીબીએ છટકું ગોઠવીને મામલતદાર અને વચેટીયા જગદીશ પરમારને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.એસીબીને મામલતદારની ઓફિસમાંથી ૨૦ લાખ રૂપિયાની રકમ મળી હતી, જ્યારે બીજા પાંચ લાખ રૂપિયા વચેટિયા જગદીશ પાસેથી કબજે કરવામાં આવ્યા હતા. આ કેસમાં મામલતદાર અને વચેટિયાની અટકાયત કરવામાં આવી છે. લાંચ લેતા પકડાયેલા મામલતદાર હાર્દિક ડામોરના પિતા પૂર્વ એસપી રહી ચૂક્યા છે, તેમજ તેમણે એસીબીમાં પણ કામ કર્યું છે. એટલું જ નહીં, તેમના ભાઈ તામિલનાડુમાં આઇજીપી કક્ષાના અધિકારી છે.પ્રાપ્ત વિગતો પ્રમાણે, જમીન મોજે બદરખાની સીમમાં આવેલી જમીનમાં ક્ષેત્રફળ સુધારણા તથા ખેડૂતમાંથી બિનખેડૂત કરેલી, જે ફરીથી ખેડૂત કરવા અંગેની અરજી મામલતદાર કચેરી ધોળકા ખાતે આપવામાં આવી હતી, જેના આધારે ક્ષેત્રફળ સુધારણા અંગેની કામગીરી કરી આપવા બદલ તથા બિનખેડૂત કરેલી જમીન ફરીથી ખેડૂત તરીકે કાયમ કરવા માટે ધોળકાના મામલતદાર હાર્દિકભાઈ ડામોરે પચીસ લાખ રૂપિયાની લાંચ માગી હતી. ત્યારે આ રકમ નહીં આપવા માગતા ફરિયાદીએ આખરે એસીબીનો સંપર્ક કરતાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં મામલતદાર તથા તેમનો વચેટિયો છટકામાં લાંચની રકમ સ્વીકારતાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વર્ષ ૨૦૨૦માં ૧૯૮ કેસ કરીને ૩૦૭ ભ્રષ્ટ સરકારી અને ખાનગી બાબુઓને લાંચ લેતાં રંગેહાથે પકડ્યા હતા, જેમાં વર્ગ-૧ના ૭ બાબુઓ સામેલ છે. અપ્રમાણસર મિલકતના ૩૮ કેસ કરીને રૂ.૫૦.૧૧ કરોડની બેનામી મિલકતો શોધી હતી. મહત્ત્વનું છે કે ૨૦૨૦ના વર્ષમાં એસીબીના કેસોમાં સજાનો દર ૪૦ ટકા રહ્યો હતો તેમજ એસીબીની ટ્રેપમાં પકડાયેલા દરેક સરકારી બાબુને સરેરાશ ૩૧ દિવસ સુધી જેલવાસ થયો હતો.